તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 18th November 2026
ચારધામ યાત્રામાં રેકોર્ડ ૬૫.૬૫ લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
બદરીનાથમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યાઃ વાહનોની અવરજવરમાં ૩૦ ટકાનો વધારો

દહેરાદૂન,તા.૧૮: ઉત્તરાખંડની ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની ભીડે નવા રેકોર્ડ બનાવ્યા છે. અહેવાલ મુજબ દહેરાદૂનમાં આવેલી બિનનફાકારક સંસ્થા એસડીસી ફાઉન્ડેશનના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૨૬માં ૬૫.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક સ્થળોનાં દર્શન કર્યાં છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨૯ ટકા વધુ છે.
જોકે, શ્રદ્ધાળુઓની વધતી ભીડની સાથે મૃત્યુના આંકડામાં ૬૩ ટકાનો મોટો વધારો થતાં વહીવટી તંત્રની ચિતા વધી છે. રાજ્ય સરકારના દૈનિક બુલેટિનના આધારે એસડીસી ફાઉન્ડેશનના પ્રવીણ ઉપ્રેતી અને સંસ્થાના સ્થાપક અનુપ નૌટિયાલે આ આંકડાઓ તૈયાર કર્યા છે. આ વિશ્લેષણ અનુસાર આ વર્ષે કુલ ૬૫,૬૫,૧૯૭ શ્રદ્ધાળુઓ પાંચેય ધામ પહોંચ્યા હતા, જ્યારે ૨૦૨૫માં આ સંખ્યા ૫૧,૦૭,૩૪૬ હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીએ ૧૪,૫૭, ૮૫૧ શ્રદ્ધાળુઓનો વધારો થયો છે.
આ વર્ષે પાંચેય ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે, જોકે દરેક સ્થળે વધારાનો દર અલગ-અલગ રહ્યો છે. બદરીનાથ અને હેમકુંડ સાહિબમાં સૌથી વધુ ૪૨ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કેદારનાથમાં સૌથી ઓછો નવ ટકાનો વધારો થયો છે.
બદરીનાથઃ ૨૩,૪૯,૩૪૫ શ્રદ્ધાળુઓ (૪૨ ટકાનો વધારો)
કેદારનાથઃ ૧૯,૩૩,૧૩૮ શ્રદ્ધાળુઓ (નવ ટકાનો વધારો)
ગંગોત્રીઃ ૧૦,૦૭,૧૭૭ શ્રદ્ધાળુઓ (૩૩ ટકાનો વધારો)
યમુનોત્રીઃ ૮,૮૪,૮૪૧ શ્રદ્ધાળુઓ (૩૭ ટકાનો વધારો)
હેમકુંડ સાહિબઃ ૩,૯૦,૬૯૬ શ્રદ્ધાળુઓ (૪૨ ટકાનો વધારો)
આરોગ્ય સંબંધિત કારણોસર થતાં મૃત્યુમાં ૮૧ ટકાનો વધારો
વિશ્લેષણ અનુસાર યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ૨૦૨૫માં ૧૮૨ હતી, જે આ વર્ષે વધીને ૨૯૭ થઈ છે. આમાંથી મોટા ભાગનાં મૃત્યુ કુદરતી અને આરોગ્ય સંબંધિત કારણોસર થયાં છે. આવા મૃત્યુના આંકડામાં ૮૧ ટકાનો મોટો વધારો થયો છે અને સંખ્યા ૧૫૯થી વધીને ૨૮૮ થઈ છે. અનુપ નૌટિયાલે આ અંગે ગંભીર ચિતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય સંબંધિત કારણોસર થતાં મૃત્યુમાં ૮૧ ટકાનો વધારો યાત્રાની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષાની માગ કરે છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારા સાથે યાત્રાના માર્ગો પર વાહનોનું દબાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ૧૪ નવેમ્બર સુધીના આંકડા અનુસાર યાત્રા માર્ગો પર વાહનોની અવરજવરમાં ૩૦ ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૫માં જ્યાં ૫,૧૪,૦૧૬ વાહનો નોંધાયાં હતાં, ત્યાં આ વર્ષે આ સંખ્યા વધીને ૬,૬૮,૮૭૭ થઈ છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
