<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

દિવાળીની રાત્રે જાણીતા દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના ઘરમાં ઘૂસ્યું રોકેટ: બાલ્કનીના સોફામાં આગ લાગતા ટળી મોટી હોનારત

પાલતુ શ્વાનની સતર્કતા અને ફાયર-રેસિસ્ટન્ટ ફેબ્રિકના કારણે સદ્નસીબે બચી ગયો પરિવાર, વિવાદ વધતા ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી પોસ્ટ

મુંબઈ : બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફેમ વિવેક અગ્નિહોત્રીના મુંબઈ સ્થિત નિવાસ્થાને દિવાળીની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાતા માંડ-માંડ મોટી હોનારત ટળી હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીની રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા છોડવામાં આવેલું એક આકાશી રોકેટ અચાનક ઊડીને તેમના ઘરની બાલ્કનીમાં આવી પહોંચ્યું હતું અને ત્યાં રાખેલા સોફા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી.

 

આગ લાગ્યાની આ ઘટના અંગે વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર બળેલી હાલતના સોફાના ફોટા શેર કરી મુંબઈમાં ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની માંગ કરતો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

સદ્નસીબે ઘરમાં હાજર તેમના પાલતુ શ્વાને સમયસર ભસીને પરિવારને સતર્ક કરી દીધો હતો અને સોફા પર અગ્નિરોધક કવર હોવાને કારણે આગ વધુ ફેલાઈ ન હતી અને સમયસર કાબૂમાં આવી ગઈ હતી.

 

જોકે, આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ શરૂ થઈ જતા અને વિવાદ વધવાની આશંકાએ વિવેક અગ્નિહોત્રીએ થોડા જ સમયમાં તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

 

ત્યારબાદ તેમણે નવું ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તેમનો હેતુ કોઈની પણ ભાવના કે સાંસ્કૃતિક વિચારોને ઠેસ પહોંચાડવાનો નહોતો અને તેમણે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

(9:25 PM IST)