<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજકારણના રણમેદાન વચ્ચે માનવતાની મહેક: રાજ્યસભાની સીડીઓ પર જેપી નડ્ડાએ મલ્લિકાર્જુન ખડગેનો હાથ પકડી સહારો આપ્યો

વૈચારિક મતભેદો બાજુ પર મૂકી કેન્દ્રીય મંત્રીએ વિપક્ષના નેતાને મદદ કરી; સંસદમાં જોવા મળેલી આ દુર્લભ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: સંસદ ભવન એટલે સામાન્ય રીતે ઉગ્ર ચર્ચાઓ, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને રાજકીય ખેંચતાણનું કેન્દ્ર ગણાય છે. પરંતુ શુક્રવારે રાજ્યસભામાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને માનવતા અને પરસ્પર આદરનો નવો દાખલો બેસાડ્યો છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ 83 વર્ષીય વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સીડી ઉતરવામાં મદદ કરી ટેકો આપ્યો હતો.
સીડીઓ પર જોવા મળી મિત્રતા
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન જ્યારે મલ્લિકાર્જુન ખડગે પોતાની બેઠક પરથી સીડીઓ નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે તેમને ચાલવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને જેપી નડ્ડા તુરંત પોતાની સીટ પરથી ઉભા થયા અને ખડગે પાસે દોડી ગયા હતા. નડ્ડાએ અત્યંત આદરપૂર્વક ખડગેનો હાથ પકડ્યો અને તેમને સુરક્ષિત રીતે સીડીઓ નીચે ઉતરવામાં મદદ કરી હતી. આ હૃદયસ્પર્શી ક્ષણ જોઈને ગૃહમાં હાજર અન્ય સભ્યોએ પણ આ હાવભાવને વધાવ્યો હતો.
હરિવંશ સિંહની ફરી વરણીની ક્ષણ
આ ઘટના ત્યારે બની જ્યારે બંને નેતાઓ હરિવંશ સિંહ પાસે જઈ રહ્યા હતા, જેઓ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. જેપી નડ્ડાએ જ હરિવંશ સિંહના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા ખડગેએ પણ હરિવંશ સિંહને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન ખડગેએ હળવાશમાં હરિવંશ સિંહને કહ્યું કે, "તમે એક સારા પાડોશી છો," જેનાથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
પીએમ મોદી અને ખડગે વચ્ચે પણ હળવાશભર્યા દ્રશ્યો
માત્ર જેપી નડ્ડા જ નહીં, પરંતુ તાજેતરમાં 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ આવી જ હળવાશભરી ક્ષણો જોવા મળી હતી. સંસદ સંકુલમાં બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા અને હસીને ટૂંકી વાતચીત કરી હતી.
રાજકીય વિચારધારાઓ ભલે અલગ હોય, પરંતુ ભારતની લોકશાહીમાં નેતાઓ વચ્ચેનો આ પરસ્પર આદર અને શિષ્ટાચાર જ આપણી સંસદીય પ્રણાલીને જીવંત રાખે છે. જેપી નડ્ડાનો આ નાનો અમથો હાવભાવ સોશિયલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી રહ્યો છે.

(6:23 PM IST)