<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઇતિહાસનું એ ગુપ્ત ઓપરેશન: જ્યારે ભારત-ઇઝરાયલ પાકિસ્તાનનો પરમાણુ પ્લાન્ટ ફૂંકી મારવાના હતા

૧૯૮૦ના દાયકામાં કહુતા પર હવાઈ હુમલા માટે જામનગર એરબેઝ પણ તૈયાર હતું : પરંતુ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના એક ઇનકારથી પાકિસ્તાનનો "ઇસ્લામિક બોમ્બ" બચી ગયો

નવી દિલ્હી:  ૧૯૭૧ના યુદ્ધમાં કારમી હાર બાદ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ભારત સામે ૧૦૦ વર્ષ લડવાની અને ઘાસ ખાઈને પણ "ઇસ્લામિક બોમ્બ" બનાવવાની કસમ ખાધી હતી. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે પાકિસ્તાન આ પરમાણુ શક્તિ મેળવવાની અતિ નજીક હતું, ત્યારે ઇઝરાયલે ભારત સમક્ષ એક અત્યંત ગુપ્ત અને સ્ફોટક ઓફર મૂકી હતી. ઇઝરાયલ અને ભારત વચ્ચે ત્યારે ઔપચારિક રાજદ્વારી સંબંધો નહોતા, છતાં પાકિસ્તાનના પરમાણુ ખતરાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે બંને દેશોની ગુપ્તચર એજન્સીઓ એક થઈ હતી. ઇઝરાયલની યોજના પાકિસ્તાનના કહુતા પરમાણુ પ્લાન્ટ પર સંયુક્ત હવાઈ હુમલો કરવાની હતી, જે ઓપરેશન માટે ગુજરાતના જામનગર એરબેઝને લોન્ચપેડ તરીકે પસંદ પણ કરી લેવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેના અને ગુપ્તચર સંસ્થા 'રો'  આ મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, પરંતુ અંતિમ ક્ષણોમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ઓપરેશનને લીલી ઝંડી આપવાનો ઇનકાર કરી દીધો. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય દબાણ અને ખાસ કરીને અમેરિકાની સંભવિત આકરી પ્રતિક્રિયા તથા યુદ્ધ ફાટી નીકળવાના ડરથી પાછળ હટી ગયા હતા. પરિણામે ભારત પાસે પાકિસ્તાનના પરમાણુ ખતરાને કાયમ માટે ખતમ કરવાની જે સુવર્ણ તક હતી તે હાથમાંથી સરી ગઈ અને બાદમાં ૧૯૮૮માં રાજીવ ગાંધીએ બેનઝીર ભુટ્ટો સાથે પરમાણુ પ્રતિષ્ઠાનો પર પરસ્પર હુમલો ન કરવાનો કરાર કર્યો. આખરે ૧૯૯૮માં પાકિસ્તાને સત્તાવાર પરમાણુ પરીક્ષણ કરીને પોતાની જાતને પરમાણુ સજ્જ દેશ જાહેર કર્યો હતો.

વર્ષ ૨૦૨૬માં આ ઐતિહાસિક ઘટના ફરી એકવાર વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પાકિસ્તાન પર 'અબ્રાહમ કરાર' હેઠળ ઇઝરાયલને ઔપચારિક માન્યતા આપવા ભારે દબાણ કરી રહ્યા છે. ઇસ્લામાબાદ માટે પેલેસ્ટાઈન મુદ્દાને કારણે ઇઝરાયલને સ્વીકારવું રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે, જ્યારે ઇઝરાયલ માટે પાકિસ્તાન એકમાત્ર એવો ઇસ્લામિક દેશ છે જે પરમાણુ હથિયારો ધરાવે છે અને તેને માન્યતા આપતો નથી. ઇતિહાસનું આ અધૂરું ઓપરેશન આજે પણ દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના ભૌગોલિક-રાજકીય સમીકરણોને પ્રભાવિત કરી રહ્યું છે.

(6:36 PM IST)