<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

અશક્ય લાગતું સપનું સાકાર: ચીનના સાહસિકે પાણી પર મોટરસાઇકલ દોડાવીને રચ્યો ઇતિહાસ, બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

​૧૭ વર્ષની જહેમત રંગ લાવી: ઝાંગ શુએ મોટરસાઇકલને ૪૦ કિમીથી વધુ પાણી પર ચલાવીને જૂનો રેકોર્ડ તોડ્યો

​બેઇજિંગ: ​વિશ્વમાં અશક્ય જણાતી બાબતોને શક્ય બનાવીને ઇતિહાસ રચવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ચીનમાંથી એક એવું અદ્ભુત અને રોમાંચક સાહસ સામે આવ્યું છે જેને જાણીને સૌ કોઈ દંગ રહી ગયા છે. ચીનની જાણીતી મોટરસાઇકલ ઉત્પાદક કંપની 'ZXMOTO' ના ફાઉન્ડર ઝાંગ શુએ (Zhang Xue) એ પાણીની સપાટી પર મોટરસાઇકલ ચલાવીને એક નવો અને અનોખો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

​સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાંગ શુએ મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં આવેલા મયાંગ મિયાઓ ઓટોનોમસ કાઉન્ટીની ઝિનજિયાંગ નદી પર સ્પેસિફિક મોડિફાઈડ મોટરસાઇકલ દ્વારા આ અશક્ય કારનામું કરી બતાવ્યું હતું. તેમણે ખાસ ડિઝાઈન કરેલી પોતાની 'ZXMOTO MX450' મોટરસાઇકલને પાણી પર કુલ ૪૦.૭૪ કિલોમીટર સુધી દોડાવી હતી. આ સાથે જ તેમણે અગાઉના ૩૧.૮ કિલોમીટરના વર્લ્ડ રેકોર્ડને તોડીને નવો ઇતિહાસ રચ્યો છે.

​૫ મહિનાની મહેનત અને વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ
​પાણી પર બાઇક ચલાવવી એ કોઈ સામાન્ય વાત નથી. આ રેકોર્ડને હાંસલ કરવા માટે ઝાંગ શુએ અને તેમની એન્જિનિયરિંગ ટીમે પાંચ મહિના સુધી દિવસ-રાત સખત મહેનત કરી હતી. મોટરસાઇકલને પાણીમાં ડૂબતી અટકાવવા માટે તેની બનાવટમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા હતા:

​એમ્ફિબિયસ સ્કિ (Amphibious Ski): બાઇકના આગળના ભાગમાં ખાસ સ્કી ફિટ કરવામાં આવી હતી જે તેને પાણી પર તરતી રાખવામાં મદદ કરતી હતી.
​પાછળનું ટાયર અને પ્રોપલ્શન: બાઇકનું પાછળનું ટાયર પાણીને પાછળ તરફ ધકેલીને આગળ વધવા માટે જરૂરી ગતિ (Thrust) પેદા કરતું હતું.
​વોટરપ્રૂફ સીલિંગ: લાંબી સફર દરમિયાન એન્જિન કે મિકેનિઝમમાં પાણી ન જાય તે માટે તેને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવવામાં આવ્યું હતું.
​જીપીએસ ટ્રેકિંગ, ટાઇમિંગ ડેટા અને ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડ્સની ઝીણવટભરી ચકાસણી બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ આ રેકોર્ડની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

​૧૭ વર્ષ જૂનું સપનું થયું પૂરું
​આ સફળતા પાછળ ઝાંગ શુએની ૧૭ વર્ષની લાંબી તપસ્યા જોડાયેલી છે. તેમણે વર્ષ ૨૦૦૯માં પહેલીવાર આ પ્રકારનો અખતરો કર્યો હતો અને અનેકવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં.

​રેકોર્ડ બનાવ્યા બાદ ખુશી વ્યક્ત કરતા ઝાંગ શુએ જણાવ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ હતો કે હું આ કરી શકું છું. ભલે રસ્તામાં મુશ્કેલીઓ આવી અથવા નિષ્ફળતા મળી, પણ મેં ક્યારેય અચકાયા વિના મારા સપનાનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. મને આ આખી સફર ખૂબ ગમી."

​નદી કિનારે ઉપસ્થિત હજારો લોકો અને પ્રશંસકોએ તાળીઓના ગડગડાટ સાથે આ સાહસિક યોદ્ધાને વધાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં એન્જિનિયરિંગ પ્રેમીઓ અને એક્સપોર્ટ સ્પોર્ટ્સના ફેન્સ દ્વારા ઝાંગ શુએ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

(6:19 PM IST)