News of Tuesday, 5th May 2026
હરિયાણાના પલવલ પાસે KMP એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ઓવરસ્પીડિંગના કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, કારના ફૂરચેફૂરચા ઊડ્યા, પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા, ટ્રાફિક જામ સર્જાયો

પલવલ, તા. 5 : હરિયાણાના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ડિવાઈડર સાથે અથડાતા કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત KMP એક્સપ્રેસ વે પર પલવલ જિલ્લા પાસે થયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાના પગલે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
