<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સોના પરની આયાત ડ્યુટીમાં 15% સુધીનો તોતિંગ વધારો થતા જૂના સોનાના બદલામાં નવા દાગીનાનું વલણ વધશે

સરકારના આ પગલાથી આગામી સમયમાં સોનાની માંગમાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની શક્યતા: 14 અને 18 કેરેટની જ્વેલરીની માંગમાં થઈ શકે વધારો

ભારત સરકાર દ્વારા સોના પરની આયાત ડ્યુટી વધારવાના નિર્ણયની અસર હવે ઝવેરાત બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સરકારના આ પગલાથી આગામી સમયમાં સોનાની માંગમાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની શક્યતા જ્વેલરી ઉદ્યોગના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ વધતા ભાવની એક બીજી બાજુ એ પણ છે કે, લોકો પોતાના ઘરોમાં પડેલું જૂનું સોનું ઊંચા ભાવનો લાભ લેવા માટે વેચવા અથવા તો તેના બદલામાં નવા દાગીના લેવા માટે બજારમાં લાવી શકે છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં સોના પરની અસરકારક આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. આ દરમાં 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC)નો સમાવેશ થાય છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ સોનાની વધતી આયાતને નિયંત્રિત કરી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) પરનું દબાણ ઘટાડવાનો છે.

પ્રાપ્તથતા અહેવાલ મુજબ, ભારતીય પરિવારો પાસે અંદાજે 25,000 ટનથી વધુ સોનું સંગ્રહિત છે, જેનો મોટો ભાગ હાલ નિષ્ક્રિય પડેલો છે. જો આ 'ડેડ ઈન્વેસ્ટમેન્ટ'નો થોડો ભાગ પણ બજારમાં રોકડ અથવા એક્સચેન્જ સ્વરૂપે આવે, તો દેશની આયાત નિર્ભરતામાં મોટો ઘટાડો થઈ શકે છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ચેરમેન સુરેન્દ્ર મહેતાએ ચેતવણી આપી છે કે ઊંચી ડ્યુટીને કારણે સોનાની દાણચોરીમાં વધારો થઈ શકે છે. અગાઉ પણ ડ્યુટી વધુ હોવાથી ગેરકાયદેસર રીતે સોનું દેશમાં ઘુસાડવામાં આવતું હતું. વધુમાં, વધતા ફુગાવાને કારણે સામાન્ય લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સોનાના દાગીના પર ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ પણ વધારી શકે છે.

નિષ્ણાતો માને છે કે જો ગ્રાહકો 22 કેરેટને બદલે 14 કેરેટ અથવા 18 કેરેટના દાગીના પસંદ કરે, તો સોનાની આયાતમાં 20-30% સુધીનો ઘટાડો લાવી શકાય છે. આ ઉપરાંત, સોનાના ઊંચા ભાવને કારણે હવે લોકો હીરાના દાગીના તરફ વળી રહ્યા છે કારણ કે તેમાં સોનાનો ઉપયોગ ઓછો થાય છે.

(1:49 PM IST)