તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
દિવાળીના દિવસોમાં વેપારી અને સીએએ રિટર્ન ભરવા ઓફિસ જવું પડે તેવી સ્થિતી

મુંબઈ,તા.૬: વેપારીઓ અને સીએએ ચાલુ વર્ષે દિવાળીના દિવસોમાં પણ ઓફિસ કાર્યરત રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે દર મહિનાની ૧૧ તારીખ સુધીમાં વેપારીઓએ જીએસટીઆર-૧ ભરી દેવાનું હોય છે. ત્યારબાદ જીએસટીઆર-૧ ભરવામાં આવે તો તે વેપારી પાસેથી માલ ખરીદનાર વેપારીને આઈટીસીનો લાભ મળતો નથી. આ માટે એક મહિનો રાહ જોવી પડે છે. ચાલુ વર્ષે ૫ નવેમ્બરથી શરૂ થતી દિવાળીના તહેવારમાં ૧૪ નવેમ્બરના રોજ શનિવાર છે. જેથી દિવાળીમાં પણ જીએસટી રિટર્ન ભરવા માટે વેપારીઓની સાથે સાથે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટો પણ તહેવારની મજાનો લાભ ભરપૂર માણી નહીં શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જીએસટી રજિસ્ટ્રેશન નંબર ધરાવનાર વેપારીઓમાં કેટલાક વેપારી દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરતા હોય છે. જયારે સુરતના મોટાભાગના વેપારીઓએ દર મહિને જીએસટી રિટર્ન ભરતા હોય છે. તેમાં પણ દર મહિનાની ૧૧ તારીખ સુધીમાં જીએસટીઆર-૧ ફાઈલ કરી દેવાનો નિયમ છે. પરંતુ તે અરસામાં દિવાળીની શરૂઆત થઈ જાય છે. ૫ નવેમ્બરના રોજ અગિયારસથી શરૂ થતી દિવાળીમાં મોટાભાગના વેપારીઓ ધનતેરસની પૂજા કરીને બંધ પાળતા હોય છે. ત્યારબાદ લાભપાંચમનું મુહૂર્ત કરીને વેપારની શરૂઆત કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વેપારીઓએ રિટર્ન ભરવા માટે લાભ પાંચમનું મુહૂર્ત પહેલા દુકાન કાર્યરત રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો તેમ નહીં કરવું હોય તો રિટર્ન ભરવા માટેના ચોપડા ઘરે રાખવા પડે તેમ છે. વેપારીઓ તો વૈકલ્પિક વ્યવસ્થા કરી શકશે, પરંતુ સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટની હાલત સૌથી વધુ કફોડી થવાની છે, કારણ કે તેઓએ તો ફરજિયાત ઓફિસે જઈને જ રિટર્ન ફાઇલ કરવા પડશે.
નવેમ્બરમાં આ રિટર્ન ભરવા પડશે..
૧૦ નવેમ્બરે જીએસટીઆર-૭ અને જીએસટીઆ જીએસટીઆર-૮, ૧૧ નવેમ્બરે જીએસટીઆર-૧, ૧૩ નવેમ્બરે આઇએફએફ (ઇનવોઇસ ફર્નિશિગ ફેસિલિટી), જીએસટીઆર-૬, જીએસટીઆર-૫ ભરવાના થશે. આ ઉપરાંત ઇન્કમટેક્સમાં ૭નવેમ્બરે ટીડીએસ અને ટીસીએસ ચલણ, ૧૪ નવેમ્બરે પગાર સિવાયના વ્યવહારો પર કપાયેલો ટીડીએસ તથા ભાડા પર કપાયેલા ટીડીએસ સહિતની વિગતો આપવાની રહેશે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
