તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
દિલ્હીના મયૂર વિહારની શાળામાં ધો-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રમતના સમય બાદ ક્લાસમાં જમીન પર ઢળી
રમતગમતનો સમય પૂરો થયા બાદ બાળકી ક્લાસમાં પરત ફરી ,અચાનક ઊભા-ઊભા જ ફર્શ પર ઢળી પડી:હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ જીવ બચી શક્યો નહીં.

નવી દિલ્હી :દિલ્હીના પૂર્વ વિસ્તારમાં આવેલી એક શાળામાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. મયૂર વિહાર ફેઝ-2 સ્થિત લવલી હેરિટેજ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતી માત્ર 9 વર્ષની વિદ્યાર્થિનીનું અચાનક જમીન પર પટકાયા બાદ મોત થયું છે. રમતગમતનો સમય પૂરો થયા બાદ બાળકી પોતાની ક્લાસમાં પરત ફરી હતી. તે દરમિયાન અચાનક ઊભા-ઊભા જ ફર્શ પર ઢળી પડી હતી.
આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
મળતી માહિતી મુજબ, બાળકી દરરોજની જેમ બુધવારે સવારે પણ સ્કૂલે પહોંચી હતી. તેના પિતા સવારે લગભગ 7:30 વાગ્યે તેને શાળાએ મૂકીને ગયા હતા. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 8:30થી 9:10 વાગ્યા સુધી બાળકોનો પીટી પીરિયડ હતો. રમતગમતનો સમય પૂરો થયા બાદ તમામ વિદ્યાર્થીઓ પોતાની-પોતાની ક્લાસમાં પાછા ફર્યા હતા. બાળકી પણ ક્લાસમાં આવીને ઊભી રહી હતી.
આ દરમિયાન CCTV ફૂટેજમાં જોવા મળે છે કે બાળકી બંને હાથ કમર પર રાખીને ઊભી છે અને થોડી જ ક્ષણોમાં અચાનક જ જમીન પર પટકાય છે. બાળકી અચાનક નીચે પડી જતાં ક્લાસમાં હાજર શિક્ષિકાએ તરત જ તેને ઉઠાવીને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્કૂલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.
ઘટના બાદ સ્કૂલ સ્ટાફે બાળકીને તાત્કાલિક પાંડવ નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી હતી. અહીં પ્રાથમિક તપાસ કર્યા બાદ તબીબોએ તેને વધુ સારી સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ સ્કૂલ પ્રશાસન તેને નિર્માણ વિહાર સ્થિત અન્ય એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જોકે, ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ તપાસ કરીને બાળકીને મૃત જાહેર કરી હતી.
સવારે લગભગ 10 વાગ્યે પરિવારને સ્કૂલ તરફથી બાળકીની તબિયત ખરાબ હોવાની જાણ કરવામાં આવી હતી. ઘરે હાજર તેની માતા તાત્કાલિક સ્કૂલ તરફ રવાના થઈ હતી. ત્યારબાદ તેઓ સ્કૂલ સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, જ્યાં તેમને દીકરીના મૃત્યુના સમાચાર મળ્યા હતા. એકની એક દીકરી ગુમાવવાના સમાચાર સાંભળીને પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું.
બાળકીના પરિવારજનોએ સ્કૂલ પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે બાળકી સંપૂર્ણ સ્વસ્થ હતી અને તેને અગાઉથી કોઈ બીમારી નહોતી. બાળકીના પિતાએ આક્ષેપ કર્યો છે કે સમયસર યોગ્ય સારવાર મળી હોત તો કદાચ તેમની દીકરીનો જીવ બચાવી શકાયો હોત. પરિવાર દ્વારા સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. મૃતક બાળકી ત્રિલોકપુરી વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તે પરિવારની એકમાત્ર સંતાન હતી. તેના પિતા વિસ્તારમાં આવેલા એક જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેઓ મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે પણ ફરજ બજાવે છે
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
