<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ફિરોઝાબાદ જિલ્લામાં નવી કારોથી ભરેલી માલગાડીના એક ડબ્બામાં અચાનક આગ ભભૂકી : 6 નવી કારો બળીને ખાખ

માલગાડી ટૂંડલાથી લખનૌ તરફ જતી હતી ત્યારે ટ્રેન રૂપસપુર ગામ નજીક પહોંચી ત્યારે એન્જિનની નજીક આવેલા એક ડબ્બામાં આગ લાગી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવી કારો લઈ જતી માલગાડીના એક ડબ્બામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનામાં ડબ્બામાં રાખવામાં આવેલા 6 ફોર-વ્હીલર વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને રેલવે દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના લાઇનપાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રૂપસપુર નજીક બની હતી. મુખ્ય અગ્નિશામક અધિકારી સત્યેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર માલગાડી ટૂંડલાથી લખનૌ  તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન રૂપસપુર ગામ નજીક પહોંચી ત્યારે એન્જિનની નજીક આવેલા એક ડબ્બામાંથી પહેલા ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જે બાદ થોડા જ સમયમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.

ઘટનાની જાણ થતા જ રેલવે કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ અને અગ્નિશામક વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટર્સએ સતત 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ઉઠેલો ધુમાડો અને જ્વાળાઓ દૂર સુધી જોવા મળી રહી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સમયસર કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું. જોકે, ડબ્બામાં રહેલા 6 નવા વાહનો આગમાં સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. મુખ્ય અગ્નિશામક અધિકારીએ જણાવ્યું કે આગ કેવી રીતે લાગી તે અંગેનું સાચું કારણ રેલવેની તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. હાલમાં સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.

(12:02 AM IST)