<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

મહારાષ્ટ્રના નાંદેડમાં સર્જાયો ભીષણ માર્ગ અકસ્માત: પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી મૃતકોના વારસદારોને ₹૨ લાખ અને ઘાયલોને ₹૫૦,૦૦૦ ની સહાય જાહેર કરી!

નાંદેડ-ભોકર નેશનલ હાઇવે પર સીતાખંડી ઘાટ ખાતે ટ્રક અને મિની-વેન વચ્ચે ગમખ્વાર ટક્કર; ૮ લોકોના નીપજ્યા કરૂણ મોત જ્યારે ૭ ગંભીર રીતે ઘાયલ.

નાંદેડ, તા.૧૧: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાંદેડ-ભોકર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા સીતાખંડી ઘાટ નજીક પુરપાટ ઝડપે આવતી એક ટ્રક અને મિની-વેન વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૮ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ૭ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કરૂણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે. ભાજપના રાજ્યસભા સાંસદ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના પરિવારોને પ્રત્યેકને ૨ લાખ રૂપિયા તથા ઘાયલોને આર્થિક મદદરૂપ થવા માટે પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

 

બીજી તરફ, નાંદેડના વાલી મંત્રી (ગાર્ડિયન મિનિસ્ટર) અતુલ સાવેએ ઘટના અંગે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. તેમણે જિલ્લા કલેક્ટર રાહુલ કાર્ડિલે સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રી અતુલ સાવેએ જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પીડિત પરિવારોને પીએમએનઆરએફ ભંડોળમાંથી તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા માટે સખત નિર્દેશ આપ્યા છે.

 

(5:35 PM IST)