હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"એક આતંકવાદી માત્ર આતંકવાદી જ હોય છે!" સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન-ચીનના બેવડા ધોરણો પર ભારત પ્રહાર, વૈશ્વિક લડાઈ માટે આહવાન
યુએન મહાસભામાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતાનેનીની ગર્જના: આતંકવાદ સામે બહાનાબાજી બંધ કરો, સૌથી પહેલો માનવ અધિકાર 'જીવવાનો અધિકાર' છે

નવી દિલ્હી : આતંકવાદના મુદ્દે વૈશ્વિક મંચ પર ભારતે ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવીને પાકિસ્તાન અને ચીન જેવા દેશોના બેવડા ધોરણોની આકરી આલોચના કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતાનેનીએ સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચના (GCTS) ની નવમી સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "કોઈપણ ફરિયાદ, રાજકીય હેતુ કે વ્યુહાત્મક ગણતરી ગમે તે હોય, આતંકવાદને ક્યારેય વાજબી ઠેરવી શકાય નહીં. એક આતંકવાદી માત્ર આતંકવાદી જ હોય છે."
દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ડંખ ભોગવી રહ્યું છે ભારત
યુએન મહાસભાને સંબોધતા રાજદૂત પર્વતાનેનીએ ભારતનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "ભારત દાયકાઓથી સરહદ પારથી પ્રેરિત આતંકવાદનો ભોગ બન્યું છે. અમે અમારા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે, પરિવારો બરબાદ થયા છે અને સમાજ તૂટ્યો છે. આ કડવા અનુભવોએ જ આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ના અભિગમને આકાર આપ્યો છે." તેમણે ઉમેર્યું કે માનવ અધિકારોની વાતો કરનારાઓએ એ સમજવું પડશે કે સૌથી પહેલો માનવ અધિકાર 'જીવવાનો અધિકાર' છે અને આતંકવાદ આ અધિકાર પરનો સૌથી મોટો હુમલો છે.
'સારા' કે 'ખરાબ' આતંકવાદી વચ્ચે ભેદભાવ ન હોવો જોઈએ
ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બેવડા ધોરણો અને રાજકીય કથાઓ છોડી દેવા તાકીદ કરી છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે આતંકવાદને ફંડિંગ પૂરું પાડનારા, આયોજન કરનારા અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાનો આપનારા દેશોને જવાબદાર ઠેરવવાનો સમય આવી ગયો છે. ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ના નિયમોનો કડક અમલ થવો જોઈએ જેથી કોઈ પણ દેશ આતંકવાદી ભંડોળ માટે સેફ હેવન (સુરક્ષિત આશ્રયસ્થાન) ન બની શકે.
સીસીઆઇટી (CCIT) માં ૩ દાયકાનો વિલંબ દુર્ભાગ્યપૂર્ણ: ભારતે વર્ષ ૧૯૯૬ માં જ 'આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન' (Comprehensive Convention on International Terrorism) નો પ્રસ્તાવ મૂક્યો હતો. પર્વતાનેનીએ અફસોસ વ્યક્ત કર્યો કે લગભગ ત્રણ દાયકા વીતી જવા છતાં વૈશ્વિક રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાનૂની માળખું પસાર થઈ શક્યું નથી, જે આતંકવાદીઓ સામે સામૂહિક લડાઈમાં સૌથી મોટો અવરોધ છે.
નવી ટેકનોલોજીનો દુરુપયોગ અને દિલ્હી ઘોષણાપત્રની બાદબાકી પર નારાજગી
ગ્લોબલ ટેરરિઝમ સામે ભારતની સક્રિય ભૂમિકાની યાદ અપાવતા તેમણે 'દિલ્હી ઘોષણાપત્ર' અને 'નો મની ફોર ટેરર' જેવી પરિષદોનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ વખતની GCTS સમીક્ષામાંથી દિલ્હી ઘોષણાપત્રને બાદ કરવા બદલ અને નવી ટેકનોલોજી (જેમ કે ડ્રોન, ક્રિપ્ટોકરન્સી) ના આતંકવાદી દુરુપયોગને રોકવા પર સર્વસંમતિ ન સધાવા બદલ ભારતે યુએનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ સભા ક્યારેક નાની રાજકીય ગણતરીઓ માટે બંધક બની જાય છે તે અત્યંત કમનસીબ બાબત છે.
ભારતે છેલ્લે સ્પષ્ટ કર્યું હતું કે જેમ યુએન ઇસ્લામોફોબિયા, ખ્રિસ્તીફોબિયા કે યહૂદી-વિરોધી હિંસાની નિંદા કરે છે, તેમ તેણે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મો વિરુદ્ધ ફેલાતા ધાર્મિક પૂર્વગ્રહો અને હિંસાની પણ સાર્વત્રિક સ્તરે સમાન નિંદા કરવી જ જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
