તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં વિસ્તારમાં હાઈટેક લેબમાં ધમધમતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ :50 કરોડથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત : ત્રણ આરોપીની ધરપકડ
એક દેશી પિસ્તોલ તથા 19 જીવતા કારતૂસ પણ મળ્યા :પોલીસે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ્સ, કાચો માલ, મશીનો અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા

માયાનગરી મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે શહેરમાં એક મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબોરેટરીનો નાશ કરી દીધી છે. મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં એક ઘરની અંદર ચાલતી આ હાઈટેક લેબમાંથી પોલીસે રૂપિયા 50 કરોડ 74 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળેથી એક દેશી પિસ્તોલ તથા 19 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મુંબઈ પોલીસને 25 મેના રોજ ગુપ્ત માહિતી મળી હતી કે આગ્રીપાડા વિસ્તારમાં કેટલાક લોકો ઘરની અંદર ડ્રગ્સ બનાવવાનું કામ કરી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ એન્ટી નાર્કોટિક્સ સેલની કાંદિવલી યુનિટે વિસ્તારમાં છટકું ગોઠવ્યું અને એકસાથે દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે કુલ 14 કિલો 493 ગ્રામ મેફેડ્રોન અને લિક્વિડ MD કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને રસાયણોની કુલ કિંમત આશરે રૂપિયા 50,74,03,100 છે. જેમાં: લિક્વિડ MD: 8 કિલો 305 ગ્રામ (કિંમત આશરે રૂપિયા 29.08 કરોડ), 6 કિલો 188 ગ્રામ (કિંમત આશરે રૂપિયા 21.65 કરોડ) આ ઉપરાંત, પોલીસે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ્સ, કાચો માલ, મશીનો અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા હતા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે તપાસ દરમિયાન પોલીસને એક દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ પણ મળ્યા છે, જેની કિંમત આશરે 64 હજાર રૂપિયા હોવાનું મનાય છે.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો અને ભારતીય હથિયાર કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્ક કયા રાજ્યો સાથે જોડાયેલું છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીના માર્ગદર્શન હેઠળ 'ડ્રગ્સ ફ્રી મુંબઈ' અભિયાન અંતર્ગત કાંદિવલી યુનિટના સિનિયર પીઆઈ શશિકાંત જગદાલે અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
