તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
કેન્યામાં અંધશ્રદ્ધાની હદ વટાવનારી કરુણાંતિકા: ૧૯૦ નિર્દોષ બાળકો સહિત ૧૯૧ લોકોની હત્યાના કેસમાં કુખ્યાત સંપ્રદાયના નેતા પોલ મેકેન્ઝી દોષિત જાહેર
'ઈસુને મળવાની' અંધશ્રદ્ધા ફેલાવીને બાળકોને ફરજિયાત ભૂખે મારનાર અને અત્યાચાર ગુજારનાર ડેથ કલ્ટના લીડર સામે મોમ્બાસા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો; ૬ નવેમ્બરે સંભવિત સજા થશે.

મોમ્બાસા : માનવતાને શરમમાં નાખતી અને ધર્મના નામે આચરવામાં આવેલા એક સૌથી ખૌફનાક અપરાધમાં કેન્યાની કોર્ટે મોટો અને કડક ચુકાદો આપ્યો છે. પૂર્વી કેન્યાના શાકાહોલા જંગલમાં ચાલી રહેલા એક ખ્રિસ્તી સંપ્રદાયના કુખ્યાત નેતા પોલ મેકેન્ઝી અને તેના ૩૦ જેટલા સહ-આરોપીઓને ૧૯૦ બાળકો સહિત ૧૯૧ લોકોની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સરકારી વકીલોએ આ મુકદ્દમાને કેન્યાના અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ ફોજદારી કેસોમાં ગણાવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે.
સોમવારે મોમ્બાસા હાઈકોર્ટના ન્યાયાધીશ ડાયના કાવેડઝા દ્વારા આઠ કલાકથી વધુ સમય સુધી ચાલેલા વિસ્તૃત ચુકાદામાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કોર્ટે તારણ કાઢ્યું હતું કે આ ભયાનક મૃત્યુ કોઈ કુદરતી હોનારત નહીં, પરંતુ એક સુવ્યવસ્થિત પ્રણાલીનું પરિણામ હતા. મેકેન્ઝી પોતાના ધાર્મિક ઉપદેશો અને ડેટાનો ઉપયોગ કરીને અનુયાયીઓને એવું સમજાવતો હતો કે બહારની દુનિયા દુષ્ટ છે અને સ્વર્ગમાં જઈને 'ઈસુને મળવા' માટે જીવલેણ ઉપવાસ કરવા અનિવાર્ય છે.
આ ગુનાહિત કાવતરાની શરૂઆત ક્રમબદ્ધ રીતે બાળકોથી કરવામાં આવતી હતી. જંગલમાં રક્ષકો દ્વારા લોકોની હિલચાલ પર કડક નજર રાખવામાં આવતી હતી અને જે લોકો આ ખતરનાક ઉપવાસનો વિરોધ કરતા કે ભાગી જવાનો પ્રયાસ કરતા, તેમને બાંધીને રાખવામાં આવતા તેમજ શારીરિક સજા કરવામાં આવતી હતી. પોસ્ટમોર્ટમ અહેવાલોમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે કેટલાક પીડિતોના મૃત્યુ માત્ર ભૂખમરાથી જ નહીં, પરંતુ ગૂંગળામણ, ગળા પર દબાણ અને માથામાં ગંભીર ઇજાઓને કારણે થયા હતા.
સત્તાવાળાઓ દ્વારા એપ્રિલ ૨૦૨૩થી શાકાહોલા જંગલમાં શરૂ કરવામાં આવેલા વ્યાપક ખોદકામ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૪૨૯ જેટલા મૃતદેહો મળી આવ્યા છે. 'ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચ' ના નામે આ ખૌફનાક સંપ્રદાય ચલાવનાર મેકેન્ઝી આધુનિક તબીબી સારવાર અને શિક્ષણનો પણ ઉગ્ર વિરોધ કરતો હતો. પોતાના પરિવારજનોને ગુમાવનાર પીડિત પરિવારો લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા, અને હવે કોર્ટના આ ચુકાદા બાદ આગામી ૬ નવેમ્બરે દોષિતોને સજા સંભળાવવામાં આવશે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
