News of Friday, 27th November 2026
મહારાષ્ટ્રના પુણેના બોપદેવ ઘાટ વિસ્તારમાં ટ્રકે બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા: ત્રણ વિદ્યાર્થીઓનાં મોત:છ ઘાયલ
ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો:. નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે દુઃખ વ્યક્ત કરી ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા

મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. બોપદેવ ઘાટ વિસ્તારમાં બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને પૂરઝડપે આવતા ટ્રકે અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જ્યારે છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે પુણેના બોપદેવ ઘાટ વિસ્તારમાં વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય છ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.
ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસમાતનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સફેદ રંગનો ટ્રક પૂરઝડપે આવતો જોવા મળે છે. ટ્રક અન્ય વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટોપ પાસે ઊભેલા વિદ્યાર્થીઓ તરફ ટ્રક વાળી દીધો હતો અને તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ટ્રક થોડા સમય માટે અસંતુલિત થયો હતો. જોકે, ચાલકે વાહન રોક્યું નહોતું અને આગળ વધતો રહ્યો હતો. ટ્રકની સાથે જઈ રહેલો એક ઓટોરિક્ષા પણ સંતુલન ગુમાવતાં સામે આવતી કાર સાથે અથડાતાં બચ્યો હતો. કારચાલકે સમયસર બ્રેક લગાવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ઘાટના વળાંક પાસે ટ્રકચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બોપદેવ ઘાટમાં બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને પૂરઝડપે આવતા ટેમ્પોએ ટક્કર મારી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓનાં મોત થયાં છે અને કેટલાક ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ તેમણે વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી યોગ્ય સારવાર આપવાના નિર્દેશ પણ આપ્યા હતા. આ સાથે તેમણે મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
