<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

લગ્નના મંડપને બદલે કુસ્તીના મેદાનમાં વર-કન્યાનો અનોખો જંગ: કન્યાએ વરરાજાને હવામાં ઉછાળીને જીત્યું 'જીવનભરની આઝાદી'નું ઇનામ!

ચીનના આ યુગલે લગ્નને બનાવી દીધા યાદગાર: પ્રોફેશનલ રેસલર્સ હોવાને કારણે લગ્નમાં યોજી રેસલિંગ મેચ, વિજેતા માટે હતી ખાસ શરત.

બેઇજિંગ : સામાન્ય રીતે લગ્ન એટલે મંત્રોચ્ચાર, સંગીત અને પરંપરાગત વિધિઓ, પરંતુ ચીનના એક યુગલે પરંપરાઓને બાજુ પર મૂકીને પોતાના લગ્નને કુસ્તીના મેદાનમાં ફેરવી નાખ્યા! હી જિનશેંગ અને જુની નામના આ કપલ, જે પોતે પ્રોફેશનલ કુસ્તીબાજો છે, તેમણે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. લગ્નના મંડપને બદલે તેમણે રેસલિંગ રિંગમાં સાત ફેરા ફરતા પહેલા એક એવી મેચ રમી જેણે ત્યાં હાજર મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અનોખા લગ્નની પાછળ એક રસપ્રદ શરત પણ હતી. વરરાજાએ જાહેરાત કરી હતી કે જે પણ કુસ્તીમાં જીતશે, તેને આજીવન ઘરકામમાંથી મુક્તિ મળશે. લગ્નનું મેદાન કોઈ સ્પોર્ટ્સ અખાડાથી ઓછું નહોતું, જ્યાં એક તરફ વરરાજાની ટીમ અને બીજી તરફ દુલ્હનની ટીમ હતી. ભારે ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે વર અને કન્યા રેસલિંગ રિંગમાં સામસામે આવ્યા, ત્યારે જુનીએ પોતાની કુશળતા બતાવતા વરરાજા હી જિનશેંગને હવામાં ઉછાળીને જમીન પર પછાડી દીધા હતા.
વરરાજા હી જિનશેંગે રમૂજી અંદાજમાં કહ્યું કે, "મને પહેલેથી જ ખબર હતી કે હું હારી જવાનો છું, કારણ કે મારો ઈરાદો મારી પત્નીને ઘરકામમાં વ્યસ્ત રાખવાનો નહોતો!" આ વિચિત્ર અને સાહસિક આઈડિયા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ લગ્નના ખર્ચ અને આયોજનની યાદી જોઈ રહ્યા હતા, ત્યારે તેમને આ અનોખો વિચાર આવ્યો હતો. તેમણે આ વિચાર પોતાના પરિવાર સાથે શેર કર્યો, અને દરેક વ્યક્તિ આ મેચ માટે ઉત્સાહિત હતો.
લગ્નની આ વિધિમાં ભોજન અને મનોરંજનની સાથે રેસલિંગનો તડકો ઉમેરાતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. વીડિયો જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે; કેટલાક લોકો આને 'બેસ્ટ વેડિંગ' ગણાવી રહ્યા છે, તો કેટલાક ચીનના દરેક શહેરમાં આવા 'રેસલિંગ વેડિંગ' યોજવાની માંગ કરી રહ્યા છે. આ અનોખા લગ્ને સાબિત કર્યું છે કે પ્રેમની ઉજવણી માટે કોઈ એક ચોક્કસ રીત હોવી જરૂરી નથી, તે તમારી મરજી અને તમારા શોખ મુજબ ગમે તેટલી અતરંગી હોઈ શકે છે.

(7:53 PM IST)