<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોની હાજરી પૂરવાનું અનોખું અભિયાન શરૂ : ગેરહાજર હરિભક્તોની ખબર અંતર પૂછવા અને સહાય કરવા લેવાયો મહત્વનો નિર્ણય

ડલાસના ઇરવિન મંદિરેથી સ્વામીજીએ કરી ઘોષણા : ક્યુઆર કોડ અને એપ્લિકેશન દ્વારા હાજરી લેવાશે તેમજ બાળકો માટે ગુજરાતી ભાષાના વર્ગો પણ ચલાવવામાં આવશે

ઇરવિન : અમેરિકાના ડલાસમાં ઇરવિન ખાતે આવેલ બાપ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભક્તોની સુવિધા અને તેમના અંગત કલ્યાણ માટે એક અત્યંત પ્રશંસનીય અને અનોખું કદમ ઉઠાવવામાં આવ્યું છે. શનિવાર તારીખ 10 મે 2026ના રોજ આયોજિત વિશેષ સભામાં સ્વામીજીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી મંદિરમાં શાળાઓની માફક જ ભક્તો અને સત્સંગીઓની હાજરી પૂરવામાં આવશે. આ જાહેરાતને સભામાં હાજર રહેલા તમામ હરિભક્તોએ હળવા હાસ્ય અને તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર વધાવી લીધી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને તેમની મુશ્કેલીઓમાં ભાગીદાર બનવાનો છે.
આ અભિયાનની વિસ્તૃત માહિતી આપતા ડૉ રાજેશ ભોજક એ જણાવ્યું હતું કે અમેરિકામાં સ્થિત સ્વામિનારાયણ મંદિરોમાં દર શનિવાર અને રવિવારે અથવા વિવિધ પ્રાસંગિક દિવસોએ સભાઓનું આયોજન કરવામાં આવે છે. આ સભાઓમાં આસપાસના વિસ્તારોમાં વસતા મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપે છે અને સત્સંગ દર્શન તેમજ પ્રસાદનો આનંદ માણે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે નિયમિત રીતે મંદિરમાં આવતા ભક્તો અચાનક લાંબા સમય સુધી ગેરહાજર રહે છે અથવા તો આવવાનું સાવ બંધ કરી દે છે. આવા સંજોગોમાં તે ભક્ત કોઈ માંદગીનો ભોગ બન્યા હોય અન્ય સ્થળે સ્થળાંતર કર્યું હોય પ્રવાસ પર હોય કે કોઈ મોટી પારિવારિક મુશ્કેલીમાં હોય તેની જાણકારી મંદિર પ્રશાસનને સમયસર મળી શકતી નથી.
સ્વામીજીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ હાજરી પદ્ધતિ દ્વારા ગેરહાજર રહેતા ભક્તોની ખબર અંતર જાણી શકાશે. જો કોઈ ભક્ત અસુવિધા કે તકલીફમાં હશે તો સંસ્થા દ્વારા તેમને યોગ્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. સત્સંગીઓ ક્યુઆર કોડ અને ખાસ તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી પોતાની હાજરી નોંધી શકશે. આ કાર્યમાં સંસ્થાના સમર્પિત સેવાભાવી કાર્યકરો પણ સતત માર્ગદર્શન અને મદદ પૂરી પાડશે. જો કોઈ સત્સંગી અમેરિકામાં એક શહેર છોડીને અન્ય સ્થળે સ્થિર થયો હોય અને ત્યાંના સ્થાનિક મંદિરમાં જતો હોય તો ત્યાં પણ ક્યુઆર કોડ સ્કેન કરીને તેની હાજરીની નોંધ લેવાશે જેથી તેનું જોડાણ સંસ્થા સાથે અકબંધ રહે.
આ સાથે જ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોના બાળકો પોતાની ભાષા અને સંસ્કૃતિથી વંચિત ન રહી જાય તે માટે ધોરણ 1 થી 8 સુધીના બાળકો માટે ખાસ ગુજરાતી ભાષાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અહીંની જરૂરિયાત અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ખાસ અભ્યાસક્રમના પુસ્તકો પણ છાપવામાં આવ્યા છે. આ પ્રયાસો દ્વારા નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કારોનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જેની વાલીઓ દ્વારા પણ ભારે સરાહના કરવામાં આવી છે. સંસ્થાના આ સર્વાંગી અભિગમથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:01 PM IST)