<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

તિરુમાલા મંદિરમાં ભક્તિનું અનોખું નજરાણું: ચેન્નાઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈને ભગવાન વેંકટેશ્વરને ₹206 કરોડના 121 કિલો સોનાના 45 પ્રકારના આભૂષણો અર્પણ કર્યા

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં યોજાયો ભવ્ય હસ્તાંતરણ સમારોહ; 'એક્સેસ હેલ્થકેર'ના સ્થાપક વર્ધમાન જૈને મસ્તકના મુગટથી લઈને ચરણ કમળ (પદ્મ પાદાલુ) સુધીના પરંપરાગત આભૂષણો ભગવાન શ્રીવરીના ચરણોમાં સમર્પિત કર્યા

તિરુપતિ, તા. ૨૬: આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં ગુરુવારે ભક્તિ અને સમર્પણનો એક ઐતિહાસિક નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી વર્ધમાન જૈને ભગવાન શ્રી વેંકટેશ્વર (શ્રીવરી) ને આશરે ₹206 કરોડ (અન્ય અહેવાલો મુજબ ₹160 કરોડથી વધુ) ની કિંમતના 121 કિલોગ્રામ શુદ્ધ સોનાના આભૂષણો અર્પણ કરીને એક અસાધારણ ધાર્મિક યોગદાન આપ્યું છે. આ ઔપચારિક હસ્તાંતરણ સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ખાસ હાજરી આપી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા આ અનોખા દાનની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભવ્ય સંગ્રહમાં આગમ શાસ્ત્રની પરંપરાઓ અનુસાર ખાસ તૈયાર કરાયેલા 45 પ્રકારના ધાર્મિક આભૂષણોનો સમાવેશ થાય છે. જેમાં ભગવાન માટે સોનાનો મુગટ, ચરણોને શણગારવા માટે 'પદ્મ પાદાલુ' (ચરણ કમળ), કમરબંધ, ખભા પર પહેરવાના આભૂષણો તેમજ શંખ અને ચક્રના પ્રતીકો સામેલ છે. મસ્તકથી લઈને ચરણ સુધી ભગવાનને સુશોભિત કરવા માટે બનાવાયેલા આ આભૂષણોનો ઉપયોગ દૈનિક ધાર્મિક વિધિઓ ('કૈંકર્યમ') અને વિશેષ શણગારના પ્રસંગોએ કરવામાં આવશે.

વર્ધમાન જૈનની વાત કરીએ તો, તેઓ હેલ્થકેર રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની 'એક્સેસ હેલ્થકેર' (Access Healthcare) ના સ્થાપક અને વાઇસ-ચેરમેન તેમજ એશિયા એન્જિનિયરિંગના ડિરેક્ટર છે. ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી સ્નાતક અને અમેરિકાના ટેક્સાસમાંથી માસ્ટર ડિગ્રી મેળવનાર જૈને વર્ષ 2025માં 'એક્સેસ હેલ્થકેર'માં પોતાનો 70% હિસ્સો એક અમેરિકન કંપનીને અંદાજે 2 અબજ ડોલરમાં વેચીને ભારે ચર્ચા જગાવી હતી, અને તે સોદા બાદ જ તેમણે તિરુમાલાના દેવતાને ₹200 કરોડથી વધુનું સોનું અર્પણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

ટેકનોલોજી ક્ષેત્રે બે પેટન્ટ ધરાવતા વર્ધમાન જૈન ઉદ્યોગસાહસિકતાની સાથે-સાથે સામાજિક અને પરોપકારી કાર્યોમાં પણ અગ્રેસર છે. તેઓ ગરીબ યુવાનોને કૌશલ્ય તાલીમ અને રોજગાર આપતી સંસ્થા 'આવિષ્કાર'ના સ્થાપક છે, 'ચેન્નાઈ એન્જલ્સ'ના સભ્ય તરીકે સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપે છે અને 'કાંચી કામકોટી ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ હોસ્પિટલ'ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ગરીબ બાળકોની આરોગ્ય સેવા માટે સતત કાર્યરત છે.

(5:34 PM IST)