<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

દુબઈના નાગરિકો માટે અનોખી સ્‍કીમઃ સગાંવહાલાંઓને

આમંત્રિત કરો, સરકાર આપશે ૭૮,૦૦૦ રૂપિયાનું ઇનામ : સરકારે પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા નવી યોજના શરૂ કરી

 

દુબઈ,તા.૨૫: દુબઈની સરકાર વધુ પર્યટકો તેમના દેશમાં આવે એ માટે ત્‍યાંના નાગરિકોને હવે પ્રલોભન આપી રહી છે. અહીં રહેતા ૧૮ વર્ષની મોટી વયના નાગરિકો જો તેમનાં સગાંવહાલાઓને દુબઈ તેમના ઘરે આમંત્રિત કરે સરકાર તેમને ઇનામ આપશે. આ ઇનામ વાઉચરના રૂમમાં મળશે જે હોટેલ, રેસ્‍ટોરાં અને અન્‍ય ટૂરિસ્‍ટ અટ્રેક્‍શન્‍સ પર ખર્ચ કરી શકાશે. મહેમાનોને આમંત્રિત કરવા બદલ સ્‍થાનિક નાગરિકોને એ લાભ મળશે. સરકાર દ્વારા નાગરિકને ૩૦૦૦ દિરહામ એટલે કે લગભગ ૭૮,૦૦૦ રૂપિયાનું ઇનામ મળશે. અલબત્ત, આ સ્‍કીમ ટૂંકા ગાળા માટે જ છે. મહેમાન જો પચીસ જુલાઈથી ૩૧ ઑક્‍ટોબરની વચ્‍ચે દુબઈ પહોંચે તો જ લાગુ પડશે. એ પહેલાં નાગરિકે ઑનલાઇન ફોર્મ ભરીને મહેમાનોને નોમિનેટ કરવાના રહેશે. એક નાગરિક ૩ મહેમાનોને બોલાવીને ૩ રિવોર્ડ પેકેજ મેળવી શકશે. અમેરિકા અને ઈરાન વચ્‍ચેના યુદ્ધને કારણે દુબઈમાંથી ટૂરિસ્‍ટો ગાયબ થઈ રહ્યા છે. અહીંની ટૂરિઝમ-ઇન્‍ડસ્‍ટ્રી ખાડે ગઈ હોવાથી સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે આવી યોજનાઓ કાઢી રહી છે.

(10:03 AM IST)