તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
દિલ્હીમાં આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ: માત્ર ₹20માં નકલી આધાર અને ₹15માં વોટર આઈડી બનાવી આપતું હતું આ ઓનલાઈન રેકેટ
દિલ્હી પોલીસની સાયબર ટીમે મોટા ઓપરેશન દ્વારા દસ્તાવેજો બનાવતી ગેંગને ઝડપી પાડી: ક્યૂઆર કોડ અને બારકોડ સાથેના અસલ જેવા દેખાતા નકલી દસ્તાવેજો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

નવી દિલ્હી:રાજધાની દિલ્હીમાં સરકારી દસ્તાવેજોની સુરક્ષા સાથે ચેડાં કરતા એક ખૂબ જ ગંભીર અને સક્રિય ઓનલાઈન કૌભાંડનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. સાયબર પેટ્રોલિંગ દરમિયાન પોલીસના ધ્યાને એક એવી વેબસાઈટ આવી હતી જે ખૂબ જ સસ્તા દરે નકલી સરકારી ઓળખપત્રો બનાવી આપતી હતી. આ ટોળકી માત્ર ₹20માં નકલી આધાર કાર્ડ અને ₹15માં વોટર આઈડી કાર્ડ બનાવી આપીને સામાન્ય જનતા અને સુરક્ષા વ્યવસ્થાને છેતરવાનું કામ કરી રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આખું નેટવર્ક એક વ્યવસ્થિત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ તરીકે કામ કરી રહ્યું હતું. આ વેબસાઈટ પર માત્ર આધાર કાર્ડ અને વોટર આઈડી જ નહીં, પરંતુ જન્મ-મરણના પ્રમાણપત્રો, જાતિના દાખલા અને રહેઠાણના પુરાવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ હતા.
અસલી જેવા દેખાતા દસ્તાવેજોથી વધ્યું પોલીસનું ટેન્શન
પોલીસે જ્યારે આ નકલી કાર્ડ્સની તપાસ કરી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કાર્ડ્સનું ફોર્મેટ, ડિઝાઈન અને ક્વોલિટી આબેહૂબ અસલી દસ્તાવેજો જેવી જ હતી. તેમાં લગાવવામાં આવેલા ક્યૂઆર કોડ અને બારકોડ પ્રથમ દ્રષ્ટિએ એકદમ સાચા લાગે છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ ક્યૂઆર કોડને સ્કેન કરવામાં આવે છે, ત્યારે તે સરકારી ડેટાબેઝ સાથે લિંક થવાને બદલે માત્ર યુઝરે પોતે આપેલી માહિતી જ દર્શાવે છે.
આ રીતે થતું હતું છેતરપિંડીનું કામ
પોલીસ અધિકારીઓએ પોતે આ રેકેટને પકડવા માટે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. એક અધિકારીએ આ વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવીને ડિજિટલ વોલેટમાં ₹100 રિચાર્જ કર્યા હતા. આ રકમ ચૂકવ્યા બાદ, વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ પોતાની વિગતો અને ફોટો અપલોડ કરીને તરત જ નકલી આધાર કાર્ડ જેવો દસ્તાવેજ મેળવી શકતું હતું.
આ મામલે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે આ કૌભાંડ માત્ર દિલ્હી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું નેટવર્ક દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ ફેલાયેલું હોઈ શકે છે. હાલમાં પોલીસ આ વેબસાઈટ સાથે સંકળાયેલા લોકોની શોધખોળ કરી રહી છે અને સર્વર ડેટાના આધારે આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
