<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

દેશભક્તિની ભાવના અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ ફેલાવવા યુપીથી નીકળેલી એક પરિણીત મહિલાની અનોખી પદયાત્રા

--- ચારધામ અને 12 જ્યોતિર્લિંગની પદયાત્રા પૂર્ણ કરવાના સંકલ્પ સાથે નીકળેલા તારા સિંહ રાજપૂત 30 હજાર કિલોમીટરની યાત્રા કરશે :ત્રણ વર્ષમાં આ યાત્રા પૂર્ણ કરવાનો તેમનો સંકલ્પ

દેશભક્તિની ભાવના અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉત્તર પ્રદેશથી નીકળેલી એક પરિણીત મહિલાની અનોખી પદયાત્રા છે.ચારધામ અને 12 જ્યોતિર્લિંગની પદયાત્રા પૂર્ણ કરવાના સંકલ્પ સાથે નીકળેલા તારા સિંહ રાજપૂત 30 હજાર કિલોમીટરની યાત્રા કરવા નીકળ્યા છે. ત્રણ વર્ષમાં આ યાત્રા પૂર્ણ કરવાનો તેમનો સંકલ્પ છે.ઉત્તર પ્રદેશના આઝમગઢથી ભારતના વિવિધ જ્યોતિર્લિંગ અને ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળેલી આ મહિલા અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી ગુજરાતના વાવ-થરાદ પહોંચી છે. દેશમાં સુખ, શાંતિ, અને ભાઈચારો જળવાઈ રહે તથા વિશ્વમાં ભારતનું નામ રોશન થાય તેવા દિવ્ય સંદેશ સાથે 28 રાજ્યોમાં પદયાત્રા કરવાનો સંકલ્પ છે. પરિવારથી દૂર રહીને કપરા સંજોગોમાં પણ પગપાળા યાત્રા કરી રહેલી આ મહિલાની હિંમત અને સંકલ્પ શક્તિને થરાદવાસીઓએ પણ સલામ કરી છે.

તારા સિંહ રાજપૂત નામની પરિણીત મહિલા દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને દેશભરમાં પદયાત્રા કરી રહ્યાં છે. 27 માર્ચ 2026ના રોજ આઝમગઢથી યાત્રાનો પ્રારંભ કર્યા બાદ ઉત્તરાખંડના વિવિધ દેવસ્થાનોના દર્શન કરી, હરિયાણા અને રાજસ્થાન થઈ તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા છે.યાત્રાના 189મા દિવસે તારા સિંહ રાજપૂત થરાદ પહોંચતા જ પોલીસ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણી મહિલાઓ સોનલબેન પ્રજાપતિ અને અલકાબેન ત્રિવેદી સહિતના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને થરાદના પ્રજાજનોએ તેમના આ અનોખા દેશભક્તિના સંકલ્પને બિરદાવ્યો હતો.

ભારતની આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાની સાથે આ પદયાત્રા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનો પણ સંદેશ આપે છે. પોતાના પરિવારમાં 8 વર્ષના પુત્ર સહિત 7 સભ્યોથી દૂર રહીને રોજનું લાંબું અંતર પગપાળા કાપવું અત્યંત પડકારજનક છે, પરંતુ મન મક્કમ હોય તો કોઈ પણ મુશ્કેલી રસ્તો રોકી શકતી નથી, તે વાત તારા સિંહ સાબિત કરી રહ્યાં છે. 28 રાજ્યોમાં પદયાત્રા કરીને એક નવો રેકોર્ડ સર્જવાનો પણ તેમનો પ્રયાણ છે. અત્યાર સુધી 5 હજાર કિલોમીટર કાપ્યા બાદ હવે થરાદથી તેઓ પોતાની પદયાત્રા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તરફ આગળ ધપાવશે.મહિલા સશક્તિકરણ, દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ લઈને નીકળેલા તારા સિંહ રાજપૂતનો આ સંકલ્પ આજે દેશભરમાં પ્રેરણાદાયી બની રહ્યો છે. થરાદથી સોમનાથ તરફ આગળ વધતી આ યાત્રા આગામી દિવસોમાં દેશભરમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.

(1:16 PM IST)