<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

દેશમાં એક એવું ગામ જ્‍યાં માત્ર ૬ લોકો જ રહે છે

૩૦૦ વર્ષ જૂના ઘરમાં રહે છે આખો પરિવાર

સ્‍પીતિ ઘાટી તા.૧: ભારતને ગામડાઓનો દેશ કહેવામાં આવે છે, કેમ કે અહીં મોટાભાગની વસ્‍તી આજે પણ ગ્રામીણ વિસ્‍તારોમાં રહે છે. ખેતી, પશુપાલન, ડેરી અને નાના વ્‍યવસાય સાથે લાખો લોકો જોડાયેલા છે અને પોતાની રોજીરોટી ચલાવે છે. પરંતુ દેશમાં એક ગામ એવું છે, જ્‍યાં માત્ર છ લોકો રહે છે. એક ઘરમાં આખું ગામ વસેલું છે. આ અનોખું ગામ હિમાચલ પ્રદેશના સ્‍પીતિ ઘાટીમાં છે. જેનું નામ કાકતી ગામ છે. ઊંચા પર્વતો પર વસેલું ગામ પોતાની ઓછી વસ્‍તી અને અનોખી જીવનશૈલીના કારણે ખૂબ જ ખાસ છે.

કાકતી ગામમાં આશરે ૧૦૦ વર્ષ જૂના માટીના ઘરમાં રહે છે, જેમાં એક જ પરિવારની ઘણી પેઢીઓ રહેતી આવે છે. પરિવાર સાથે બે ભાઈ જોડાયેલા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર નાનો ભાઈ કલજંગ ટાકપા લામા પરિવારની પરંપરા અનુસાર બૌદ્ધ ભિક્ષુ (લામા) બની ગયો છે અને કાજા સ્‍થિત એક બૌદ્ધ ગોંપામાં પોતાની સેવા આપે છે.

કલજંગ ટાકપાના મોટા ભાઈ છેરિંગ નામગયલ પોતાની પત્‍ની રિગજિન યૂડન સાથે ગામમાં વસે છે. છેરિગના મોટા દીકરા સોનમ છોપેલ પણ લામા છે. જે ચૌંતડા બૌદ્ધ મંદિરમાં શિક્ષણ લઈ રહ્યો છે. આ મંદિર કાંગરા અને મંડી જિલ્‍લાની સરહદ પાસે આવેલું છે. તેનો બીજો દીકરો નવાંગ જ્ઞાલસન વિશેષ બાળક છે, જ્‍યારે ત્રીજો દીકરો નવાંગ કુંગા ટેક્‍સી ડ્રાઇવર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ પરિવાર પોતાના વંશની પાંચમી પેઢી છે. આ પરિવાર હાલ પોતાના પરંપરાગત માટીના ઘરમાં રહે છે, તેઓને ૧૫ વીઘા જમીન પણ છે. જમીન પર ખેતી કરી પરિવાર રોજિદી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. પર્વતો વચ્‍ચે સાદું જીવન જીવી રહ્યાં છે.

કાકતી ગામમાં આવેલું આશરે ૩૦૦ વર્ષ જૂનું પરંપરાગત માટી અને છાણનું ઘર તેઓની ઓળખ છે. આ ઘરનું નિર્માણ માટી અને પત્‍થરથી કરવામાં આવ્‍યું છે. આ ઘર માત્ર રહેવાની જગ્‍યા નથી, પરંતુ તેના પૂર્વજોની વિરાસત પણ છે. હિમાલયી વિસ્‍તારોમાં આવા ઘરોનું નિર્માણ આબોહવાને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવે છે.

(10:45 AM IST)