<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

નોકરી કરતો હતો એ જ શોરૂમમાંથી ચોરી લીધી ૨૩ લાખની ફોક્‍સવેગન કાર

પત્‍નીનો શોખ પૂરો કરવા પતિએ હદ પાર કરી ચોરીનો એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો

ભોપાલ તા.૨: ભોપાલમાં કાર શોરૂમના એક કર્મચારીએ પોતાના જ શોરૂમમાંથી આશરે ૨૩ લાખ રૂપિયાની ફોક્‍સવેગન વર્ટસ GT કાર ચોરી કરી લીધી હતી. આરોપીએ ગ્રાહકના નામે બુક કરાયેલી કાર ૨૮ સપ્‍ટેમ્‍બરની રાત્રે શોરૂમમાંથી બહાર કાઢી અને ફરાર થઈ ગયો હતો. કંપનીને સ્‍ટોકની ચકાસણી દરમિયાન કાર ન મળી ત્‍યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખરે કારમાં લગાવેલા ઞ્‍ભ્‍લ્‍થી એવો સુરાગ મળ્‍યો કે આખો મામલો સામે આવી ગયો હતો. પોલીસને આશિમા મોલ પાસે કાર મળી હતી, જ્‍યાં આરોપીની પત્‍ની કાર ચલાવી રહી હતી. જોકે, પોલીસ પહોંચતાં જ આરોપી કાર છોડીને ફરાર થઈ ગયો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપીની ઓળખ ગજેન્‍દ્ર ઉર્ફે ઋષિ આનંદ તરીકે થઈ છે. તે મૂળ હોશંગાબાદનો રહેવાસી છે અને ભોપાલના અશોકા ગાર્ડન વિસ્‍તારમાં ભાડાના મકાનમાં રહે છે. આરોપી થ્‍ધ્‍ રોડ પર આવેલા ફોક્‍સવેગન કાર શોરૂમમાં આશરે એક વર્ષથી નોકરી કરતો હતો. શોરૂમમાં કામ કરતો હોવાથી તેને કારની અવરજવર અને વ્‍યવસ્‍થા વિશે જાણકારી હતી. આ જ વાતનો લાભ લઈને તેણે ગ્રાહકના નામે બુક કરાયેલી લક્‍ઝરી કાર ચોરવાની યોજના બનાવી હતી.

તપાસ અધિકારી ઓમકાર સિંહના જણાવ્‍યા અનુસાર, ૨૮ સપ્‍ટેમ્‍બરની રાત્રે આરોપી શોરૂમમાંથી ફોક્‍સવેગન વર્ટસ GT કાર લઈને જતો રહ્યો હતો. આ કાર એક ગ્રાહકના નામે બુક કરવામાં આવી હતી. શરૂઆતમાં શોરૂમ સંચાલકોને તેની જાણ થઈ નહોતી, પરંતુ કંપનીએ જ્‍યારે કારનો સ્‍ટોક તપાસ્‍યો ત્‍યારે આશરે ૨૩ લાખ રૂપિયાની કાર ગાયબ હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારબાદ શોરૂમ સંચાલકોએ પોલીસને જાણ કરી અને કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન શોરૂમના CCTV ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્‍પષ્ટ દેખાયો નહોતો, જેના કારણે તેની ઓળખ કરવામાં મુશ્‍કેલી પડી હતી. જોકે, કારમાં લગાવેલી GPS સિસ્‍ટમથી પોલીસનું કામ સરળ બની ગયું હતું. શુક્રવારે રાત્રે કારનું લોકેશન નર્મદાપુરમ રોડ પર આવેલા આશિમા મોલ પાસે મળ્‍યું હતું. પોલીસની ટીમ જ્‍યારે ત્‍યાં પહોંચી ત્‍યારે ચોરાયેલી કાર સાથે આરોપીની પત્‍ની પણ મળી હતી, જે કાર ચલાવી રહી હતી. પોલીસને જોઈને આરોપી કાર છોડીને ત્‍યાંથી ફરાર થઈ ગયો હતો.

ત્‍યારબાદ પોલીસે તપાસનો વ્‍યાપ વધાર્યો તો શોરૂમના કર્મચારી ગજેન્‍દ્ર ઉર્ફે ઋષિ આનંદની ભૂમિકા સામે આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્‍યું કે તેની પત્‍નીને મોંઘી કારનો શોખ હતો અને આ શોખ પૂરો કરવા માટે તેણે કારની ચોરી કરી હતી.

અશોકા ગાર્ડન પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીની કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધ્‍યો છે. ચોરાયેલી ફોક્‍સવેગન વર્ટસ GT કાર કબજે કરી લેવામાં આવી છે. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને મામલાની તપાસ ચાલુ છે. કારની ચોરીમાં અન્‍ય કોઈ વ્‍યક્‍તિ સામેલ હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત આરોપીની પત્‍નીને કાર ચોરાયેલી હોવાની જાણ હતી કે નહીં, તે અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવશે.

(9:55 AM IST)