તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
જમશેદપુરના આકાશમાં યુદ્ધ જેવો માહોલ: ફાઈટર જેટની ગર્જનાથી ધરા ધ્રૂજી ઉઠી!
પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરબેઝથી ઉડેલા બે શક્તિશાળી વિમાનોએ સોનારી અને કદમા વિસ્તારમાં નીચી ઉડાન ભરી રડારને મ્હાત આપવાની ખાસ રણનીતિનું રિહર્સલ કર્યું : જેના પ્રચંડ અવાજથી ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા

જમશેદપુર : ગુરુવારની સવાર જમશેદપુરના રહેવાસીઓ માટે સામાન્ય દિવસ જેવી જ હતી, પરંતુ સવારે ૧૧:૨૫ કલાકે અચાનક આકાશમાંથી આવતા કાન ફાડી નાખે તેવા અવાજે સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. સોનારી અને કદમા વિસ્તારના આકાશમાં જ્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર જેટે એન્ટ્રી કરી, ત્યારે તેની ગર્જના એટલી પ્રચંડ હતી કે લોકોમાં ફાળ પડી હતી. યુદ્ધ જેવી સ્થિતિનો અહેસાસ થતા જ અનેક લોકો ગભરાઈને પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આ રહસ્યમય વિમાન માત્ર પસાર જ નહોતું થયું, પરંતુ થોડી મિનિટો સુધી આકાશમાં મંડરાતું રહીને અચાનક નજરથી ઓઝલ થઈ ગયું હતું.
આ સનસનાટીભર્યા દ્રશ્યો પાછળનું સાચું કારણ વાયુસેનાનું ખાસ તાલીમ સત્ર હતું. અહેવાલો મુજબ, પશ્ચિમ બંગાળના કલાઈકુંડા એરબેઝ પરથી બે ફાઈટર જેટ્સે 'ટેક્ટિકલ ટ્રેનિંગ સોર્ટી' (રણનીતિ પ્રશિક્ષણ) માટે ઉડાન ભરી હતી. આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પાયલોટોને અત્યંત નીચી ઊંચાઈએ વિમાન ઉડાડવાનો અભ્યાસ કરાવવાનો હતો. સામાન્ય રીતે આ વિમાનો ૨૫૦ થી ૫૦૦ ફૂટની ઊંચાઈએ ઉડતા હોય છે, પરંતુ ચોકસાઈ વધારવા માટે ક્યારેક 'અલ્ટ્રા લો ફ્લાઈંગ' હેઠળ માત્ર ૧૦૦ ફૂટની ઊંચાઈએ પણ કરતબ બતાવવામાં આવે છે, જેનો પડઘો જમીન પર ભૂકંપ જેવો અનુભવાતો હોય છે.
ફાઈટર જેટ દ્વારા કરવામાં આવતી આ 'લો ફ્લાઈંગ' પાછળ એક અત્યંત મહત્વનું સૈન્ય કારણ જવાબદાર છે. યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના રડારની નજરમાં આવ્યા વગર હુમલો કરવા માટે પાયલોટોએ જમીનથી માત્ર ૫૦ ફૂટ કે તેનાથી ઓછી ઊંચાઈએ ઉડવું પડતું હોય છે, જેને 'રડાર ડોજિંગ' કહેવામાં આવે છે. આટલી નીચી ઊંચાઈએથી જ્યારે વિમાન પસાર થાય છે, ત્યારે દુશ્મનને સાવધ થવાની પળવારની તક પણ મળતી નથી અને નિશાનને સચોટ રીતે વીંધી શકાય છે. જમશેદપુરવાસીઓએ ગુરુવારે વાયુસેનાની આ જ તાકાત અને શિસ્તનો જીવંત નમૂનો નિહાળ્યો હતો.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
