<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સોશિયલ મીડિયા પર ખીલેલા પ્રેમ માટે યુવતીનું અકલ્પનીય સાહસ: ૧,૦૨૦ કિલોમીટરનો પ્રવાસ, ૫ ટ્રેન બદલીને મોબાઈલ વગર ઝારખંડથી ગ્વાલિયર પહોંચી

પ્રીતિ અને ધીરજે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા: પરિવાર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા નવદંપતીએ પોલીસ સુરક્ષા માગી

નવી દિલ્હી : કહેવાય છે કે પ્રેમમાં કોઈ પણ સરહદો કે પડકારો આડે આવતા નથી, જેનો એક ચોંકાવનારો કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સામે આવ્યો છે. ઝારખંડના જમશેદપુરની રહેવાસી પ્રીતિ નામની યુવતીએ ગ્વાલિયરના ખાનગી શિક્ષક ધીરજ આર્ય સાથેના પોતાના પ્રેમને પામવા માટે કોઈ પણ મોબાઈલ ફોન કે સહારા વગર ૧,૦૨૦ કિલોમીટરની કપરી મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેણે પાંચ ટ્રેનો બદલી હતી અને અંતે ગ્વાલિયર પહોંચીને પોતાના પ્રેમીનું સરનામું શોધી કાઢ્યું હતું. ૨૦૨૨માં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ પ્રેમકહાનીમાં પરિવારનો સખત વિરોધ હોવા છતાં બંને પ્રેમી પંખીડાઓએ સાથે જીવવા-મરવાના સોગંદ લીધા છે.

ઘટનાની વિગતો અનુસાર, પ્રીતિના પરિવારે તેમના સંબંધોની જાણ થતાં જ તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો અને તેના પર આકરા પ્રતિબંધો લાદીને મારપીટ પણ શરૂ કરી હતી. પરિવારે તેના લગ્ન અન્ય છોકરા સાથે નક્કી કરી દીધા હોવાથી પ્રીતિએ ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો. કોઈ પણ ડિજિટલ સાધન વગર જારખંડથી ગ્વાલિયર પહોંચેલી પ્રીતિ અને ધીરજે તુરંત જ આર્ય સમાજ મંદિરમાં વૈદિક વિધિથી લગ્ન કરી લીધા હતા.

જોકે, લગ્ન બાદ પણ આ નવદંપતી માટે મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. પ્રીતિનો પરિવાર ગ્વાલિયર આવી પહોંચ્યો છે અને બંનેને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપી રહ્યો છે. પોતાના જીવન પર જોખમ વર્તાતા, ધીરજ અને પ્રીતિએ ગ્વાલિયર એસપી કચેરી પહોંચીને કાનૂની રક્ષણ અને લશ્કરી કે પોલીસ સુરક્ષા પૂરી પાડવા માટે સત્તાવાર વિનંતી કરી છે. પોલીસ વિભાગે આ બાબતે તપાસ હાથ ધરીને દંપતીને સુરક્ષાની ખાતરી આપી છે.

(7:03 PM IST)