તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ધમાકો: બારન નગર પરિષદમાં ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ કરી ૩૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી
રાજ્યની ૩૦૯ નગર પાલિકા-પરિષદોના પરિણામોમાં ભાજપનો એકંદર દબદબો યથાવત; ૧૫૦૨ વોર્ડમાં કમળ ખીલ્યું, પરંતુ બારનમાં 'આપ' ની સરસાઈથી રાજકીય ગરમાવો

બારન : રાજસ્થાનમાં યોજાયેલી ૩૦૯ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજ્યના રાજકારણમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. એક તરફ શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) એ સમગ્ર રાજ્યમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, તો બીજી તરફ બારન નગર પરિષદમાં આમ આદમી પાર્ટી (AAP) એ તમામ રાજકીય ગણિતો ઊંધા પાડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બારનના કુલ ૬૦ વોર્ડમાંથી 'આપ' એ ૩૧ બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાસિલ કરી લીધી છે.
બારન નગર પરિષદમાં કોંગ્રેસ ૧૮ બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી, જ્યારે ભાજપ માત્ર ૯ બેઠકો પર જ સિમિત થઈ ગયું હતું અને ૨ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી. પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમાતી આ બેઠક પર આમ આદમી પાર્ટીના આશ્ચર્યજનક વિજયે મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોને ચોંકાવી દીધા છે.
રાજ્યભરમાં ભાજપનું વર્ચસ્વ, અપક્ષોનો પણ મોટો વિજય
જોકે, સમગ્ર રાજસ્થાનના એકંદર પરિણામો પર નજર કરીએ તો ભાજપે પોતાની પકડ મજબૂત રાખી છે. અત્યાર સુધી જાહેર થયેલા ૩,૬૫૭ વોર્ડના પરિણામોમાંથી ભાજપે સૌથી વધુ ૧,૫૦૨ વોર્ડમાં વિજય પતાકા લહેરાવી છે. જ્યારે ૭૨૫ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ જીત મેળવીને રાજકીય સમીકરણો બદલ્યા છે.
જયપુર જિલ્લાની વાત કરીએ તો ૨ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ૧૬ નગરપાલિકાઓની કુલ ૫૪૦ બેઠકોમાંથી ભાજપે ૨૩૩, કોંગ્રેસે ૨૦૪ અને અપક્ષોએ ૧૦૨ બેઠકો મેળવી છે. મુખ્ય નગરપાલિકાઓમાં શાહપુરામાં કોંગ્રેસે ૨૩ અને ભાજપે ૨૦, ચૌમુમાં ભાજપે ૩૦ અને બાગરુમાં ભાજપે ૧૬ બેઠકો પર કબજો જમાવ્યો છે. બારનમાં 'આપ' નો આ વિજય આગામી સમયમાં રાજસ્થાનના ત્રિપાંખિયા રાજકારણના નવા સંકેત આપી રહ્યો છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
