તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
AAP માં ભભૂકતો અગ્નિ: રાઘવ ચઢ્ઢા પર 'વિશ્વાસઘાત'નો ગંભીર આરોપ, અશોક મિત્તલ પરના ED દરોડા પાછળ ઘરના જ ભેદુનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું!
કેન્દ્રની 'Z' સુરક્ષા મળતા જ રાઘવ ચઢ્ઢા નિશાના પર: સૌરભ ભારદ્વાજે 'પીઠમાં છરો' માર્યાનો દાવો કર્યો, પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં યાદવાસ્થળીના એંધાણ

નવી દિલ્હી, તા.૧૫: આમ આદમી પાર્ટી (AAP) અને તેના એક સમયના 'પોસ્ટર બોય' ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો મુકાબલો હવે આરપારની લડાઈમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં રાઘવ ચઢ્ઢા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, તેઓએ પક્ષની પીઠમાં છરો માર્યો છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સાંસદ અશોક મિત્તલ પર EDના દરોડા પડ્યા અને લગભગ તે જ સમયે કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને Z-કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી.
આપના ધારાસભ્ય અને મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિસ્ફોટક પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, "ભાજપ સરકારનું ટૂલબોક્સ જાણીતું છે. રાઘવ ચઢ્ઢાને ED દ્વારા ધમકાવવામાં આવ્યા અને તેમણે ડર કે લોભમાં આવીને પોતાની જ પાર્ટી સાથે ગદારી કરી. જે પક્ષે તેમને સાંસદ બનાવ્યા, તેની સાથે જ તેમણે વિશ્વાસઘાત કર્યો છે." ભારદ્વાજે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે અશોક મિત્તલ પરના દરોડા પાછળ રાઘવ ચઢ્ઢાની મિલીભગત હોઈ શકે છે.
અશોક મિત્તલ પર EDનો સકંજો અને રાજકીય ભૂકંપ
ED દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ પંજાબ અને હરિયાણામાં અશોક મિત્તલ સાથે જોડાયેલા ૧૦ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ અશોક મિત્તલને તે જવાબદારી સોંપવામાં આવી હતી.
• કેજરીવાલની પ્રતિક્રિયા: અરવિંદ કેજરીવાલે આને પંજાબ ચૂંટણી પહેલાની ભાજપની રણનીતિ ગણાવી છે.
• સંજય સિંહનો હુમલો: તેમણે કહ્યું કે મોદીજીની લોકપ્રિયતા ઘટી રહી છે, તેથી તેઓ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે.
ભાજપનો વળતો પ્રહાર: "આ ચોરોની પાર્ટી છે"
આ આરોપો સામે ભાજપે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ મુખ્યમંત્રી ભગવંત માન પર પ્રહાર કરતા કહ્યું કે, "તમારી પાર્ટી ચોરો અને લૂંટારાઓની છે. પંજાબના લોકો ભ્રષ્ટ નેતાઓ સામે કેસ કરી રહ્યા છે અને તપાસ એજન્સીઓ ગંદકી સાફ કરવાનું કામ કરી રહી છે."
રાઘવ ચઢ્ઢા અને AAP વચ્ચે ક્યાં સર્જાયું અંતર?
એક સમયે કેજરીવાલના જમણા હાથ ગણાતા રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી પાર્ટી લાઇનથી અલગ ચાલતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
• ગેરહાજરી: પાર્ટીની કટોકટીની પળોમાં તેમની ગેરહાજરી નેતૃત્વને ખૂંચી રહી છે.
• સોફ્ટ PR: પક્ષનો આક્ષેપ છે કે તેઓ સંસદમાં ભાજપને ઘેરવાને બદલે પોતાના વ્યક્તિગત પ્રચારમાં વધુ રસ દાખવી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પક્ષને પુરાવા આપવા પડકાર ફેંક્યો છે. પરંતુ, પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં સર્જાયેલી આ આંતરિક તિરાડ અને 'Z' સુરક્ષાનો વિવાદ પાર્ટી માટે મોટો પડકાર બની શકે છે. શું આ 'ઘરના ભેદુ'ની લડાઈ છે કે પછી કેન્દ્રીય એજન્સીઓનો ખેલ, તે તો આવનારો સમય જ કહેશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
