તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આંદોલન પર કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે મૂક્યો કામચલાઉ બ્રેક! : સાથીદારોને પરિવાર સાથે સમય વિતાવવા કરી અપીલ
સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જેલયાત્રા અને કાનૂની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતી વખતે ભાવુક થયા દીપકે : વિરોધ પ્રદર્શન અટક્યો નથી પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને હાલ વિરામ લીધાનું નિવેદન

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ના વિરોધમાં આક્રમક આંદોલન ચલાવી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકે દ્વારા આંદોલનને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાના જેલ જવાની ઘટના તેમજ અન્ય કાનૂની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અભિજીત દીપકે હાલ પૂરતું આ આંદોલન પર બ્રેક લગાવી દીધી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ૧૬ મિનિટના લાંબા વિડિયો સંદેશમાં તેમણે પક્ષના તમામ કાર્યકર્તાઓને (જેમને તેઓ 'કોકરોચ' તરીકે સંબોધે છે) તહેવારોના આ દિવસોમાં પોતાના પરિવારજનો સાથે સમય વિતાવવાની ખાસ સલાહ આપી છે.
અગાઉ એક અંગ્રેજી અખબારમાં ચૂંટણી પંચને લઈને છપાયેલા અહેવાલ બાદ 'સ્કૂલ ઠીક કરો' અભિયાનને અટકાવીને સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, પક્ષના નેતાઓ કાનૂની શિકંજામાં ફસાતા અને પોલીસ કાર્યવાહીનો સામનો કરતા દીપકે હાલ આંદોલનને સ્થગિત રાખવાની જાહેરાત કરી છે.
કાર્યકર્તાઓના સંઘર્ષને સલામ - પરિવારની ચિંતા:
કાર્યકર્તાઓના સમર્પણ અને સંઘર્ષને યાદ કરતા અભિજીત દીપકે ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તમામ કાર્યકર્તાઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને સિસ્ટમ દ્વારા દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં તેઓ જે હિંમત અને એકતાથી લડી રહ્યા છે તે અત્યંત પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ૧૦-૧૨ દિવસમાં બનેલી ઘટનાઓથી કાર્યકર્તાઓના પરિવારો ખૂબ ચિંતામાં મુકાયા છે. રસ્તાઓ પર યુવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને મારઝાડનો સામનો કરવો પડ્યો છે, તેથી આ મુશ્કેલ સમયમાં દરેક કોકરોચે થોડા દિવસ પોતાના પરિવાર અને સ્વજનો સાથે રહીને તહેવારો ઉજવવા જોઈએ.
સાથીદારોના સમર્થનમાં ભાવુક થયા દીપકે:
સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જેલયાત્રા અને તેમની સાથેના સંબંધો વિશે વાત કરતી વખતે અભિજીત દીપકેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમનો અંકુશ છૂટી ગયો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ આંસુ તેમની નબળાઈ નથી પરંતુ તેમની તાકાત છે, કારણ કે સૌરવ અને આશુતોષ તેમના ભાઈઓ અને પરિવાર સમાન છે. તેમણે કહ્યું કે જે લોકો તેમને ડરાવવા માંગે છે તેઓ ભ્રમમાં છે, કારણ કે જ્યારે આ યુવાનો બહાર આવશે ત્યારે આખો દેશ તેમને સલામ કરશે અને ફરીથી તે જ હસતા ચહેરા સાથે ઇન્ક્લાબના નારા લગાવશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
