<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કેરળમાં ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકેના નિવેદને રાજકારણમાં મચાવ્યો ભારે હલચલ

સમગ્ર દેશમાં મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ, ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષતા સામે ઉઠાવ્યા સવાલો

કોચી : કેરળના કોચી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અભિનેતા પ્રકાશ રાજ અને અભિજીત દીપકે સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સામે તીખા પ્રહારો કરવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં અભિજીત દીપકેએ કેરળની કોંગ્રેસ સરકાર દ્વારા પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીને મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્ત કરવાના વિવાદાસ્પદ નિર્ણય સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા.

 

તેમણે પશ્ચિમ બંગાળના ઉદાહરણનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણીની નિષ્પક્ષતા અને પવિત્રતાની વાત આવે છે, ત્યારે આ પ્રકારે ચૂંટણી પંચના અધિકારીઓને સીધા મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વના પદ પર બેસાડવા યોગ્ય નથી અને તેની સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે.

 

કેરળમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતચોરી કે મતદારોના નામ કમી થવા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે દાવો કર્યો હતો કે દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં ન આવતા હોય અને સમગ્ર દેશમાં આ સમસ્યા પ્રવર્તી રહી છે.

 

અગાઉ આ જ વર્ષે કેરળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી, જેને લઈને વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને વિરોધાભાસી વલણ પર સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે.

 

આવા વિરોધ પ્રદર્શનો અને નિવેદનોના કારણે આગામી સમયમાં ચૂંટણી પંચની પારદર્શિતા તેમજ રાજકીય પક્ષો વચ્ચેની ખેંચતાણ વધુ તીવ્ર બને તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

(9:33 PM IST)