તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
દિલ્હીમાં ત્રિરંગો લહેરાવવાના વિરોધ પ્રદર્શન પહેલાં 'કોકરોચ જનતા પાર્ટી'ના સંસ્થાપક અભિજીત દીપકેની અટકાયત: અરવિંદ કેજરીવાલે સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી વડાપ્રધાન મોદી પર કર્યા આકરા પ્રહાર
કનોટ પ્લેસમાં કલમ ૧૬૩ના બહાને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીને કેજરીવાલે ગણાવી અલોાકતાંત્રિક; સવાલો ઉઠાવતા કહ્યું કે શું આપણા જ દેશમાં ત્રિરંગો લહેરાવવો હવે ગુનો બની ગયો છે?

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત "ત્રિરંગો ફરકાવો" વિરોધ પ્રદર્શન પૂર્વે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ દિલ્હી પોલીસે પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેની ઝાંડેવાલન સ્થિત તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરી લીધી હતી, જ્યારે અન્ય નેતા નેહા બોરાને પણ મંડી હાઉસ પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીથી આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આક્રમક બન્યા છે અને સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કનોટ પ્લેસ વિસ્તારમાં કલમ ૧૬૩ લાગુ હોવા અને એનડીએમસી (NDMC) દ્વારા તિરંગા યાત્રા માટે પરવાનગી ન આપવામાં આવ્યાનું કારણ ધરીને દિલ્હી પોલીસના ૨૦ થી વધુ કર્મચારીઓ સવારમાં જ અભિજીત દીપકેના ઘરે પહોંચ્યા હતા. તેમને નોટિસ આપીને નાગરિકો અને વ્યવસાયોના અધિકારોને અસર કરી શકે તેવી કોઈપણ કાર્યવાહીથી દૂર રહેવા નિર્દેશ અપાયો હતો. આ ઘટના બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે આ સંપૂર્ણ તાનાશાહી છે અને સવાલ કર્યો હતો કે શું આપણા જ દેશમાં ત્રિરંગો લહેરાવવો હવે ગુનો બની ગયો છે?
કેજરીવાલે વધુમાં આક્રમક અંદાજમાં લખ્યું હતું કે જો આપણે આપણા દેશમાં ત્રિરંગો નહીં લહેરાવીએ, તો શું પાકિસ્તાનમાં જઈને લહેરાવવો પડશે? તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે જેમને ભારતીય ત્રિરંગોથી સમસ્યા હોય તેઓએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. કેજરીવાલના મતે અભિજીત દીપકેની આ અટકાયત સાબિત કરે છે કે વડાપ્રધાન મોદી તેમની વિચારધારા અને સક્રિયતાથી કેટલા ભયભીત છે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. એક તરફ પોલીસ પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ લોકશાહીના હકોના હનનનો આરોપ લગાવી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દો વધુ જોર પકડે તેવી પૂરેપૂરી સંભાવના છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
