તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
સોનારપુર હિંસામાં અભિષેક બેનર્જીને ગંભીર ઈજા: માથામાં ગંભીર ફટકો વાગતા હોસ્પિટલમાં દાખલ, મમતા બેનર્જીએ સારવારમાં બેદરકારીનો લગાવ્યો આરોપ
રાજકીય ગરમાવો: વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત અભિષેકને એકમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડાયા, વિપક્ષી નેતાઓએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ અત્યંત તંગ બન્યું છે. સોનારપુરમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક ઘટનામાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત અભિષેક બેનર્જીને તાત્કાલિક સારવાર માટે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, અભિષેક બેનર્જી માથામાં ઈજા ઉપરાંત સતત ઉબકા આવવાની ફરિયાદ પણ કરી રહ્યા હતા, જેને પગલે તબીબી નિષ્ણાતો દ્વારા તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલ બદલવી પડી: મમતા બેનર્જીનો આક્રોશ
અભિષેક બેનર્જીના સ્વાસ્થ્યને લઈને સમગ્ર ટીએમસી છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી તેમના કાલીઘાટ નિવાસસ્થાનથી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે અભિષેકના માતા લતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. મમતા બેનર્જીએ હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, "અભિષેકને જે હોસ્પિટલમાં પહેલા દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમને યોગ્ય સારવાર મળી રહી નહોતી." આ આક્ષેપો બાદ અભિષેકને તાત્કાલિક મિન્ટો પાર્ક સ્થિત બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, પ્રથમ હોસ્પિટલના મેનેજમેન્ટે આ મામલે કોઈ પણ પ્રકારની સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.
રાજકીય ગતિવિધિઓ તેજ: કેજરીવાલે કરી હિંસાની નિંદા
આ ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. સોનારપુરની હિંસા અને ત્યારબાદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલાની દેશભરના વિવિધ નેતાઓએ નિંદા કરી છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના અનેક વિપક્ષી નેતાઓએ ટ્વીટ કરીને આ હિંસાને વખોડી છે અને પશ્ચિમ બંગાળ સરકારને રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આડેહાથ લીધી છે.
ભૂતપૂર્વ મંત્રી શોવન ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે અભિષેકને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થઈ છે, જેનું સંપૂર્ણ તબીબી નિદાન થયા બાદ જ તેમની હાલત વિશે સ્પષ્ટ માહિતી મળી શકશે. આ હિંસક ઘટનાએ ટીએમસી અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને વધુ ધારદાર બનાવી દીધો છે, ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ તંત્ર માટે મોટો પડકાર બની રહેશે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
