તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
દિલ્હી યુનિવર્સિટી (DUSU) ચૂંટણીમાં ABVPની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું: ભાજપે પરિણામોને રાહુલ ગાંધીના મોઢા પર તમાચો સમાન ગણાવ્યા
ગૃહમંત્રી શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી શુભકામનાઓ: 'રાષ્ટ્ર પ્રથમ'ની વિચારધારામાં યુવાનોનો અતૂટ વિશ્વાસ હોવાનું જણાવી કોંગ્રેસના ખોટા પ્રચારની રાજનીતિ ફગાવી દીધી

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણમાં ભારે ચકચાર મચાવી દીધી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આ ચૂંટણીમાં શાનદાર અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે, જેના પગલે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિપક્ષી નેતાઓ પર આક્રમક પ્રહારો શરૂ કરવામાં આવ્યા છે. ડીયુએસયુ ચૂંટણીની ચાર કેન્દ્રીય પેનલ બેઠકોમાંથી ABVPએ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ એમ ત્રણ મહત્વના પદો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ સમર્થિત NSUI એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. ભાજપના શિર્ષ નેતૃત્વએ આ જીતને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'ખોટા પ્રચાર અને નકારાત્મક રાજનીતિ' પર જનરેશન ઝેડ (યુવા પેઢી) નો કરારો જવાબ ગણાવ્યો છે.
આ શાનદાર જીતને આવકારતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી માત્ર એક શિક્ષણ સંસ્થાન નથી, પરંતુ દેશના ખૂણે-ખૂણેથી આવતા વિદ્યાર્થીઓનો અવાજ છે અને આ જનાદેશ ભારતના યુવાનોની સાચી ભાવનાઓનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે દેશના યુવાનો આજે 'રાષ્ટ્ર પ્રથમ' ની વિચારધારા સાથે મક્કમતાથી જોડાયેલા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વિદ્યાર્થી સંગઠનની આ જીતને રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર-નિર્માણના સંકલ્પનું અતૂટ પ્રતીક ગણાવ્યું હતું. ભાજપના પ્રવક્તા સિદ્ધાર્થ યાદવે પત્રકાર પરિષદમાં કડક શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણી પરિણામો રાહુલ ગાંધીના મોઢા પર એક જોરદાર તમાચો છે, કારણ કે લાંબા સમયથી કોંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા યુવાનોમાં ભારત-વિરોધી અને નકારાત્મક નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ચૂંટણીના આંકડા અને વિપક્ષી પરાજય
પ્રમુખપદની રોમાંચક સ્પર્ધામાં ABVPના યશ ડબાસે ૨૪,૫૭૬ મત મેળવીને NSUIના વિજય શંકર મીણાને ૨,૦૫૩ મતોના માર્જિનથી પરાજય આપ્યો હતો. જો કે, ઉપ-પ્રમુખ પદ પર NSUIની ટિકિટ ન મળવા છતાં અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેેલા દીપાંશુ શોકીને ૩૦,૬૧૫ મત મેળવીને વિજય મેળવ્યો હતો, જ્યારે સચિવ અને સંયુક્ત સચિવના પદો પર પણ ABVPના ઉમેદવારોએ જ્વલંત વિજય હાંસલ કર્યો હતો. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ જનાદેશે સાબિત કરી દીધું છે કે દેશની યુવા પેઢી હવે પોકળ વાતો અને ભ્રામક રાજનીતિના બદલે વિકાસ અને રાષ્ટ્રવાદના પક્ષમાં ઊભી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
