<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

એસીબી આકરા પાણીએ : ખેલાડીઓમાં વધતા દારૂના સેવન અને ગેરશિસ્તના વિવાદોને રોકવા 6 કડક નિયમો અમલમાં મૂક્યા

નવા નિયમોમાં દારૂ, નાઇટ કરફ્યુ, જાહેર વર્તન અને સોશિયલ મીડિયા પર નિયંત્રણ જેવી જોગવાઈ: ભૂતકાળમાં અનેક સ્ટાર ઇંગ્લિશ ક્રિકેટરો આવા વિવાદોમાં ફસાઈ ચૂક્યા હોવાથી ECBએ હવે શિસ્ત પર ખાસ ભાર મૂક્યો

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઘણીવાર તેમના શાનદાર પ્રદર્શન કરતાં મેદાન બહાર થતા વિવાદોને કારણે મીડિયાની હેડલાઇન્સમાં વધુ રહે છે. તાજેતરમાં જ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ દારૂના નશામાં ઝઘડો કરવા બદલ વિવાદમાં આવ્યો હતો, જેના કારણે તેને મેચમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે ટીમમાં વાપસી કરી અને કેપ્ટનશીપ પણ સંભાળી, પરંતુ આખરે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું.

ભવિષ્યમાં સ્ટોક્સ જેવી ઘટનાઓ ફરી ન બને તે માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ હવે પોતાના ખેલાડીઓ માટે 6 કડક નિયમો બનાવ્યા છે. આ આકરા નિયમોનું ઉલ્લંઘન કરનારા ઇંગ્લિશ ખેલાડીઓ સામે બોર્ડ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.

 

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ ખેલાડીઓમાં વધતી ગેરશિસ્ત અને દારૂના સેવન સંબંધિત વિવાદોને ધ્યાનમાં રાખીને કડક ગાઈડલાઇન્સ અમલમાં મૂકી છે. નવા નિયમો મુજબ મેચ શરૂ થવાના એક દિવસ પહેલાંથી લઈને મેચ પૂર્ણ થયાના એક દિવસ પછી સુધી ખેલાડીઓ માટે દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મેચ અથવા સિરીઝ દરમિયાન ટીમ મેનેજમેન્ટની મંજૂરી વિના જાહેર સ્થળોએ દારૂનું સેવન પણ કરી શકાશે નહીં. ઘરેલું સિરીઝ હોય કે વિદેશી પ્રવાસ, તમામ ખેલાડીઓ માટે રાત્રે 12 વાગ્યાથી નાઇટ કરફ્યુ લાગુ રહેશે, જ્યારે ટીમ મેનેજમેન્ટને જાણ કર્યા વિના કોઈ ખેલાડી રાત્રે 10 વાગ્યા પછી હોટલની બહાર રહી શકશે નહીં.

 

ઉપરાંત કોઈ પણ ઇંગ્લિશ ક્રિકેટર જાહેર સ્થળે નશાની હાલતમાં જોવા મળે તે સ્વીકાર્ય નહીં ગણાય. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર દારૂ સાથે સંબંધિત કોઈ પણ ફોટો, વીડિયો અથવા પોસ્ટ શેર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ECBનું માનવું છે કે આ નિયમો ખેલાડીઓમાં શિસ્ત, જવાબદારી અને વ્યાવસાયિકતા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેટલાક જાણીતા ખેલાડીઓ ભૂતકાળમાં દારૂના સેવન બાદ થયેલા વિવાદોને કારણે ભારે ચર્ચામાં રહ્યા છે. ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે, કારણ કે તે લંડનના એક નાઇટ ક્લબમાં થયેલી મારામારી ઉપરાંત બ્રિસ્ટલમાં પણ દારૂના નશા દરમિયાન થયેલા વિવાદમાં ફસાયો હતો. યુવા બેટર હેરી બ્રુક પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન નાઇટ ક્લબમાં દારૂના નશામાં બાઉન્સર સાથે થયેલા ઝઘડાને કારણે સમાચારોમાં રહ્યો હતો.

ફાસ્ટ બોલર ગસ એટકિન્સનનું નામ પણ બેન સ્ટોક્સ સાથે એક નાઇટ ક્લબમાં રગ્બી ખેલાડી સાથે થયેલી મારામારીના મામલે સામે આવ્યું હતું. બીજી તરફ, બેન ડકેટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વધુ પડતો દારૂ પીધા બાદ જાહેર સ્થળે નશાની હાલતમાં જોવા મળતા વિવાદ સર્જ્યો હતો. આવા અનેક બનાવોને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે વધુ કડક શિસ્તના નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

 

નવા નિયમોનું ખેલાડીઓ કેટલું પાલન કરશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં ઇંગ્લિશ ટીમ મેદાન પર કમાલનું પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં જ રમાયેલી ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડે વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને 9 વિકેટે સજ્જડ હાર આપી છે. આ જીતની સાથે જ ઇંગ્લેન્ડે સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ પોતાની આબરૂ અને સન્માન બચાવવા માટે સિરીઝની છેલ્લી મેચ 11 જુલાઈએ સાઉધેમ્પટનના મેદાન પર રમશે.

 

(8:29 PM IST)