તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
'અબ્રાહમ અકોર્ડ' સ્વીકારી ઈઝરાયેલને માન્યતા આપો : ટ્રમ્પની નવી શરતથી પાકિસ્તાન ભારે મૂંઝવણમાં મુકાયું
આ પ્રસ્તાવથી પાકિસ્તાન જેવા દેશો માટે રાજકીય સંકટ ઊભું થયું છે, કારણ કે તેમના આદર્શો અને બંધારણીય નિયમો ઈઝરાયેલ સાથે સંબંધો બાંધવાની મંજૂરી આપતા નથી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને સમગ્ર મુસ્લિમ વિશ્વ સમક્ષ મૂકવામાં આવેલી એક અચાનક અને કઠોર શરતે મધ્ય પૂર્વમાં રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેના તણાવનો કાયમી અંત લાવવા માટે મુસ્લિમ દેશોએ ‘અબ્રાહમ અકોર્ડ’ પર હસ્તાક્ષર કરવા પડશે અને ઈઝરાયેલ એક દેશ તરીકે સત્તાવાર માન્યતા આપવી પડશે. આ શરત મુસ્લિમ દેશો માટે 'ગળેની હાડકી' સમાન બની ગઈ છે, કારણ કે એક તરફ અમેરિકાનો દબદબો છે અને બીજી તરફ ધાર્મિક તથા રાજકીય આદર્શોની મજબૂરી છે.
આ સમગ્ર વિવાદમાં સૌથી ખરાબ સ્થિતિ પાકિસ્તાનની થઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીર સતત ટ્રમ્પની જી-હજૂરીમાં વ્યસ્ત હતા, પરંતુ ટ્રમ્પના આ પગલાએ તેમને અચાનક અટવાઈ દીધા છે. પાકિસ્તાન માટે ઈઝરાયેલને માન્યતા આપવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર આજે પણ સ્પષ્ટ લખેલું છે કે, 'આ પાસપોર્ટ ઈઝરાયેલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.' આવી સ્થિતિમાં, ઈઝરાયેલને માન્યતા આપવી તે પાકિસ્તાન સરકાર માટે પોતાની જ જનતા સામે આત્મસમર્પણ કરવા જેવું છે, જે કોઈ પણ સરકાર માટે રાજકીય આત્મહત્યા સાબિત થઈ શકે છે.
વર્ષ 2020 માં અમેરિકાની મધ્યસ્થીથી શરૂ થયેલ ‘અબ્રાહમ અકોર્ડ’નો મુખ્ય ઉદ્દેશ્ય આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચેના દાયકાઓ જૂના દુશ્મનાવટને ખતમ કરી મધ્ય પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને નાથવાનો હતો. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું છે કે, જે સોદો દેશના મૂળભૂત આદર્શોની વિરુદ્ધ હોય, તેમાં પાકિસ્તાન ક્યારેય સામેલ થશે નહીં.
આ પરિસ્થિતિ હવે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નવી તિરાડ ઉભી કરી શકે છે. એક તરફ ટ્રમ્પનું આ 'માસ્ટરસ્ટ્રોક' પગલું ઈરાનને ઘેરવા માટે છે, તો બીજી તરફ તે પાકિસ્તાન જેવા દેશો માટે અસ્તિત્વની લડાઈ બની ગયું છે. મુસ્લિમ વિશ્વ હવે એવા વળાંક પર છે જ્યાં તેમને નક્કી કરવાનું છે કે તેઓ અમેરિકાની ઈચ્છા મુજબ ઈઝરાયેલ સાથે હાથ મિલાવશે કે પછી પોતાના જૂના આદર્શો પર અડગ રહેશે. ટ્રમ્પની આ શરત આવનારા દિવસોમાં મધ્ય પૂર્વના રાજકીય સમીકરણોને બદલી નાખવા માટે પૂરતી છે.
.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
