તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
રિયો ડી જાનેરોમાં હોનારત: સૈર-સપાટા માટે ઊડેલું હેલિકોપ્ટર જંગલમાં ખાબક્યું, ૪ નાં મોત
જન્મદિવસની સફર માતમના માહોલમાં ફેરવાઈ: કોલંબિયાના એક જ પરિવારની ત્રણ મહિલાઓ હોમાઈ ક્રેશ થતાં જ હેલિકોપ્ટર બળીને ખાખ: ઘનઘોર પહાડીઓમાં દોરડાની મદદથી રેસ્ક્યુ કામગીરી કરાઈ

બ્રાઝિલ:બ્રાઝિલના પ્રખ્યાત પ્રવાસન શહેર રિયો ડી જાનેરોમાં શનિવારે એક દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે. સૈર-સપાટા માટે ઊડેલું એક પ્રવાસી હેલિકોપ્ટર ટિજુકા નેશનલ પાર્કના ઘનઘોર પહાડી જંગલ વિસ્તારમાં ક્રેશ થઈને ખાબકતાં પાઇલટ સહિત તેમાં સવાર તમામ ૪ લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે.
સ્થાનિક સત્તાવાળાઓ અને અગ્નિશામક વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના 'વિસ્ટા ચાઇનીઝ' નામના લોકપ્રિય વ્યુ-પોઇન્ટ નજીક બની હતી. હેલિકોપ્ટર તૂટી પડતાં જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તાર હોવાના કારણે રાહત અને બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રેસ્ક્યુ ટીમે દોરડા અને ખાસ સાધનોની મદદથી કાટમાળ સુધી પહોંચીને ચારેય મૃતદેહો બહાર કાઢ્યા હતા.
જન્મદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ:
કોલંબિયાના દૂતાવાસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય મહિલા પ્રવાસીઓ કોલંબિયાના એક જ પરિવારની હતી. તેઓ પરિવારની એક કિશોરીના ૧૫મા જન્મદિવસની ઉજવણી માટે રિયો ડી જાનેરો આવ્યા હતા. હેલિકોપ્ટરમાં ક્ષમતા મર્યાદિત હોવાથી પરિવારે બે જૂથમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. પહેલી ફ્લાઇટમાં ગયેલા દાદી, કાકી અને પિતરાઈ બહેન આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, જ્યારે બર્થ-ડે ગર્લ બીજી ફ્લાઇટમાં જવાની હોવાથી તેનો બચાવ થયો હતો.
સુરક્ષા સમીક્ષાના આદેશ:
ઘટના બાદ રિયો ડી જાનેરોના મેયરે શોક વ્યક્ત કર્યો છે અને બ્રાઝિલની નેશનલ સિવિલ એવિએશન એજન્સી (ANAC) પાસે પ્રવાસી હેલિકોપ્ટર ફ્લાઇટ્સના નિયમો અને સુરક્ષા ધોરણોની કડક તપાસ કરવાની માંગ કરી છે. અકસ્માતનું સાચું કારણ જાણવા માટે સત્તાવાળાઓએ તપાસના આદેશ આપ્યા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
