તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ઓસ્ટ્રેલિયાથી કંડલા આવેલા જહાજમાં ગેસ ગળતરથી ૩ મજૂરોના અરેરાટીભર્યા મોત: ગોઝારા બનાવ બાદ બંદરે સન્નાટા સાથે શોકનો માહોલ
દેશના પ્રથમ નંબરના મહાબંદર કંડલા ઉપર ત્રણ ત્રણ મોત માટે જવાબદાર કોણ?, સુરક્ષા મામલે પોર્ટ પ્રશાસન સાથે કાર્ગો હેન્ડલર રિશી શિપિંગ કંપની ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : દેશના નંબર વન સરકારી મહાબંદર દિન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં બનેલ એક ગોઝારા બનાવમાં એક સાથે ત્રણ ત્રણ માનવ જિંદગીઓના મોતને પગલે આયાતકાર કંપની અને બંદર ઉપર માનવ જિંદગીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. ગઈ કાલે બપોરે બનેલ આ ગોઝારી ઘટના બાદ છેક મોડી સાંજે આ અંગે અપાયેલી સત્તાવાર માહિતીને કારણે દિન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલા પણ ચર્ચામાં છે. કંડલા મરીન પોલીસના ચોપડે નોંધાયેલ આ ગોઝારા બનાવની વિગત અનુસાર ગઈકાલે બુધવારે બપોરે પોણા બાર થી બાર વાગ્યાના અરસામાં જેટી નંબર ૧૩ ઉપર લાંગરેલ લાકડા ભરેલ જહાજમાં કામ કરવા ચડેલા ત્રણ મજૂરો રાજેશ રામચંદ્ર, રાજકુમાર રામકિશોર અને માસુકઅલી સુલતાનઅલીના લાકડામાંથી નીકળેલ ઝેરી ગેસના કારણે એક પછી એક બેભાન થઈ ગયા હતા. તેમને તુરત જ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તે પહેલા જ તેમના મોત નિપજ્યા હતા. મૃતક ત્રણેય ૩૧ થી ૩૪ વર્ષની વચ્ચેના અને યુપીના રહેવાસી હોવાનું અને કંડલા પોર્ટ ઉપર મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. એક સાથે ત્રણ ત્રણ શ્રમિકોના મોતના અરેરાટીભર્યા ગોઝારા બનાવને પગલે કંડલા પોર્ટ ઉપર કામ કરતા શ્રમિક વર્ગમાં શોકના માહોલ સાથે સન્નાટો છવાઈ ગયો હતો. જે દુર્ઘટના બની એ જહાજ એમ.વી. પાન ઓપ્ટિનમ ઓસ્ટ્રેલિયાથી લાકડું મંગાવાયું હતું . જહાજના ફાલ્કા લાંબો સમયથી ખોલાયા ન હોઈ લાકડામાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ વાયુ અંદર જહાજમાં જ રહી ગયો હતો. જે કામદારો માટે કાળ સાબિત થયો હતો. જહાજના કાર્ગો હેન્ડલર રિશી શિપિંગ કંપની દ્વારા જહાજ ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે ગેસ લીકેજની આ ગોઝારી ઘટના બની અને ત્રણ ત્રણ માનવ જિંદગીઓનો ભોગ લેવાયો. આ બનાવ બાદ બંદર ઉપર મજૂરી કામ કરતા શ્રમિકોની સુરક્ષા ચર્ચામાં છે. દરમ્યાન આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
