<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

આરોપીએ બે કાંઠે વહેતી ચાંદન નદીમાં કૂદકો માર્યો : પોલીસે પણ પાણીના તેજ પ્રવાહમાં છલાંગ લગાવી

પુલની વચ્ચે પહોંચતા સંતોષ યાદવે અચાનક પોલીસકર્મીને ધક્કો માર્યો અને તેજ પ્રવાહ ધરાવતી ચાંદન નદીમાં છલાંગ લગાવી દીધી:ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બિહારના ભાગલપુરમાં પોલીસની પકડમાં આવેલો આર્મ્સ એક્ટનો એક આરોપી એવું કારનામું કરી ગયો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હથિયાર સાથે ઝડપાયેલા આરોપીએ ચચરી પુલ પર પોલીસને ચકમો આપ્યો, સાથે ચાલી રહેલા પોલીસકર્મીને ધક્કો માર્યો અને બે કાંઠે વહેતી ચાંદન નદીમાં છલાંગ લગાવી દીધી. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના 25 સપ્ટેમ્બર 2026ની બપોરે જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સૈદપુર ઘાટની હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસને માહિતી મળી હતી કે કજરૈલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોદિપુરનો રહેવાસી સંતોષ યાદવ સૈદપુર ઘાટ પાસે હથિયાર સાથે કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો છે. માહિતી મળ્યા બાદ પોલીસની ટીમે સાદા કપડાંમાં ઘેરાબંધી કરીને સંતોષ યાદવને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેની પાસેથી એક દેશી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા.

આરોપીને પકડ્યા બાદ પોલીસની ટીમ તેને પગપાળા નદીના બીજા છેડે ઊભેલી સરકારી ગાડી સુધી લઈ જઈ રહી હતી. આ માટે પોલીસકર્મી અને આરોપી વાંસથી બનેલા ચચરી પુલ પર પહોંચ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે પુલની વચ્ચે પહોંચતા જ સંતોષ યાદવે અચાનક પોલીસકર્મીને ધક્કો માર્યો અને તેજ પ્રવાહ ધરાવતી ચાંદન નદીમાં છલાંગ લગાવી દીધી.

આરોપીએ અચાનક છલાંગ લગાવતાં તેને પકડી રાખેલા પોલીસકર્મીએ પણ નદીમાં છલાંગ લગાવી હતી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હતો. પોલીસકર્મીએ કોઈક રીતે તરીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ સંતોષ યાદવ પાણીના તેજ પ્રવાહ સાથે આગળ નીકળી ગયો અને પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો.

ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક દાવા ખોટી રીતે પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી સામે આવેલી માહિતી મુજબ, આરોપીની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ભાગલપુરના SSP પ્રમોદ કુમાર યાદવે જણાવ્યું કે ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસની ટીમ કામે લાગી છે. સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવાના પ્રયાસમાં લાગી છે.

(8:49 PM IST)