<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

નીટ-યુજી પેપર લીક વિવાદ અંગે જયપુરમાં પત્રકારના સવાલ પર અભિનેતા રાઘવ જુયાલ ભડક્યો, સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ સાથે ભારે હોબાળો

​પોતાની આગામી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ' ના પ્રમોશન દરમિયાન વિદ્યાર્થી આંદોલન અંગે પૂછાયેલા પ્રશ્ન સામે રાઘવ જુયાલે કહ્યું કે, 'અમને પ્રશ્નો પૂછવાને બદલે જવાબદાર લોકોને પૂછવાની હિંમત બતાવો'; અગાઉ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હોવાનો પણ દાવો કર્યો

​જયપુર: દેશભરમાં ગાજેલા નીટ-યુજી (NEET-UG) પરીક્ષાના પેપર લીક કૌભાંડ અને તેના પગલે શરૂ થયેલા વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનોની આંચ હવે બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે પોતાની આગામી કોમેડી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ' ના પ્રમોશન માટે આવેલા જાણીતા ડાન્સર અને અભિનેતા રાઘવ જુયાલ અને એક સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પત્રકાર દ્વારા વિદ્યાર્થીઓના આંદોલન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર રાઘવ જુયાલ પોતાનો પિત્તો ગુમાવી બેઠો હતો અને તીખી પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને તેની ફિલ્મના બહિષ્કારની માંગ પણ ઉઠી રહી છે.

​મળતી માહિતી મુજબ, રાઘવ જુયાલ જયપુરમાં ડિજિટલ ક્રિએટર નિહારિકા એનએમ સાથે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો અને તે દરમિયાન તેણે અનેક વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી. પ્રમોશનલ ઇવેન્ટ પૂર્ણ કરીને જ્યારે રાઘવ બહાર નીકળી રહ્યો હતો, ત્યારે એક સ્થાનિક ચેનલના રિપોર્ટરે તેને રોકીને સવાલ કર્યો હતો કે, "તમે વિદ્યાર્થીઓની વચ્ચે જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છો, પરંતુ પેપર લીક મામલે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વિશે કેમ કશું બોલતા નથી?"

​આ પ્રશ્ન સાંભળતા જ રાઘવ જુયાલ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્રકારને કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "અમને સવાલ પૂછવામાં તમે જેટલી હિંમત બતાવી રહ્યા છો, એટલી જ હિંમત એવા લોકોને સવાલ પૂછવામાં બતાવો જેમને ખરેખર પૂછવાની જરૂર છે." રાઘવ ત્યાંથી આગળ વધવા લાગ્યો ત્યારે પત્રકારે ફરીથી પૂછ્યું કે શું તમે વિદ્યાર્થીઓની સાથે છો? જેના જવાબમાં રાઘવે તીખા સૂરે કહ્યું કે, તેણે આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ પર પહેલેથી જ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે અને પ્રશ્નો ઉઠાવતા પહેલા લોકોએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ વાંચવી જોઈએ. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, જો આવી હિંમત યોગ્ય જગ્યાએ બતાવવામાં આવી હોત, તો આજે દેશમાં આવી પરિસ્થિતિ જ ઊભી ન થઈ હોત.

​આ ઘટનાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ મોટો વર્ગ પત્રકાર સામેના રાઘવના વલણને યોગ્ય ઠેરવી રહ્યો છે, જ્યારે બીજી તરફ લોકો તેની આ મનમાની અને અહંકારભર્યા વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રાઘવ જુયાલના બહિષ્કાર (Boycott Raghav Juyal) માટેના હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા છે. ઓનલાઈન થઈ રહેલા વિરોધ અને બોયકોટની ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા આપતા રાઘવે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી બોયકોટની એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, "મારે જે કહેવું હતું તે મેં કહી દીધું છે." તેના આ ટૂંકા જવાબથી સ્પષ્ટ થાય છે કે તે આ વિવાદમાં વધુ કોઈ સ્પષ્ટતા કરવા માંગતો નથી.

​નોંધનીય છે કે જયપુરની આ ઘટના પહેલા રાઘવ જુયાલે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે પ્રદર્શન કરી રહેલા યુવાનો માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશના બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે. આજના યુવાનોને સમય કરતાં આગળ ગણાવતા તેણે ઉમેર્યું હતું કે જો સમાજ સાચી દિશામાં આગળ વધવા માંગતો હોય તો યુવાનોનો અવાજ સાંભળવો જ પડશે. ન્યાય અને જવાબદારી માટેની વિદ્યાર્થીઓની માંગને તેણે મહત્વપૂર્ણ ગણાવી હતી. આ ઉપરાંત તેણે પોતાના ઇસ્ટાગ્રામ પર ભારતીય બંધારણના આમુખની તસવીર અને શહીદ ભગત સિંહનું એક કથન પણ શેર કર્યું હતું, જેમાં સ્વતંત્ર વિચારસરણી અને ક્રાંતિકારી વિચારોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, આ પ્રારંભિક સમર્થન છતાં પત્રકાર સાથેના તેના વર્તનને કારણે તે હાલ ભારે વિવાદોના ઘેરામાં આવી ગયો છે અને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે.

(4:15 PM IST)