તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ન્યૂટ્રિશન પ્રોડક્ટમાં જીવજંતુ નીકળતાં અભિનેત્રી બિપાશા બાસુનો રોષ સાતમા આસમાને: મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરી લખ્યું- 'હવે તમે જ અમારી છેલ્લી આશા!'
ખોરાકમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે કડક પગલાં લેવા અભિનેત્રીએ કરી ઉગ્ર અપીલ; 'જીસ્મ' ફિલ્મના સંઘર્ષ અને દીકરીના જન્મ બાદની ટ્રોલિંગ પર પણ કર્યો મોટો ખુલાસો

મુંબઈ : બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ હાલમાં પોતાની એક પ્રોડક્ટની ગુણવત્તાને લઈને ભારે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. બિપાશાએ દાવો કર્યો છે કે તેણે પોતાના ન્યૂટ્રિશન પ્રોડક્ટનો નવો ડબ્બો ખોલ્યો ત્યારે તેની અંદર નાના-નાના જીવજંતુઓ જોવા મળ્યા હતા. આ ગંભીર બેદરકારી સામે મહારાષ્ટ્ર એફડીએ (FDA) કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ન્યૂટ્રિશન પ્રોડક્ટમાં જીવજંતુઓ નીકળતા અભિનેત્રીનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બિપાશા બાસુએ કન્ટેનરની અંદરની વસ્તુને ઝૂમ કરીને બતાવી છે. વીડિયોમાં તે સ્પષ્ટ કહેતી સાંભળી શકાય છે કે, "આ ન્યૂટ્રિશન પ્રોડક્ટમાં જીવજંતુઓ ભરેલા પડ્યા છે, ખૂબ નાના-નાના જીવજંતુઓ છે." અગાઉ અભિનેત્રી શ્વેતા તિવારીના ઓર્ડર કરેલા ડ્રિન્કમાંથી પણ કોક્રોચ નીકળવાની ઘટના સામે આવી હતી. આ પ્રકારની ખાદ્ય ચીજોની ગુણવત્તામાં થતી બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા બિપાશાએ મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરી લખ્યું હતું કે, "તમે જ અમારી હવે છેલ્લી આશા છો, જેથી ગ્રાહકોને આવી ભેળસેળયુક્ત કે ખરાબ ચીજવસ્તુઓથી રક્ષણ મળી શકે."
'જીસ્મ' ફિલ્મની સફર અને માતૃત્વ બાદના સંઘર્ષ પર વાત
આ ચર્ચા ઉપરાંત, બિપાશા બાસુએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેણે જણાવ્યું કે જ્યારે તેણે બોલ્ડ વિષયવાળી ફિલ્મ 'જીસ્મ' સાઈન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઉદ્યોગના ઘણા લોકોએ તેને ચેતવણી આપી હતી કે આવા બોલ્ડ દ્રશ્યો તેની કારકિર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સિવાય તેણે દીકરી દેવીના જન્મ પછી પોતાના વજન વધવાને કારણે સોશિયલ મીડિયા પર થયેલી ટ્રોલિંગ વિશે પણ ખુલીને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બિપાશા છેલ્લે વર્ષ ૨૦૨૦ની વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી અને હાલ તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
