તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
બંગાળમાં અદાણી ગ્રુપનો વિશાળ માસ્ટરપ્લાન: ૨૦૩૫ સુધીમાં રૂ. ૧ લાખ કરોડથી વધુના રોકાણની ગૌતમ અદાણીની બમ્પર જાહેરાત
પોર્ટ, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર ઉપરાંત ૪,૦૦૦ કરોડના ખર્ચે 'અદાણી આરોગ્ય મંદિર' હોસ્પિટલનો શિલાન્યાસ; ૧૦,૦૦૦ નવી રોજગારીઓનું સર્જન થશે

કોલકાતા : ભારતના અગ્રણી ઔદ્યોગિક જૂથ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક મહત્વાકાંક્ષી રોકાણ યોજનાની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમનું જૂથ વર્ષ ૨૦૩૫ સુધીમાં પશ્ચિમ બંગાળમાં રૂ. ૧ લાખ કરોડથી વધુનું જંગી રોકાણ કરશે. આ રોકાણથી રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.
વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક વિસ્તાર થશે
અદાણી સમૂહનું આ રૂ. ૧ લાખ કરોડથી વધુનું રોકાણ રાજ્યના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કરવામાં આવશે. જેમાં બંદર (પોર્ટ), લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, રોડ-બ્રિજ અને રોપવે, ગ્રીન સિમેન્ટ તેમજ હાઈપરસ્કેલ ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે. આ વિશાળ રોકાણને કારણે પશ્ચિમ બંગાળમાં અદાણી ગ્રુપની હાજરી વધુ મજબૂત અને વ્યાપક બનશે.
રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે 'અદાણી આરોગ્ય મંદિર' હોસ્પિટલનું નિર્માણ
કોલકાતા નજીક આવેલા ન્યુ ટાઉન વિસ્તારમાં ૨,૦૦૦ બેડની વિશાળ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન ગૌતમ અદાણીએ આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. 'અદાણી આરોગ્ય મંદિર' નામના આ પ્રોજેક્ટ પર આશરે રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ૧૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારીની તકો મળશે. આ હોસ્પિટલને 'નોન-પ્રોફિટ' મોડલ પર ચલાવવામાં આવશે, જેમાં અડધોઅડધ બેડ આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત રખાશે, સાથે જ અહીં એક અદ્યતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
