તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
લદ્દાખમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રવાસીઓ સામે વહીવટીતંત્ર લાલ આંખ : ૧૨ બાઇકર્સ અને એસયુવી ચાલક પાસેથી રૂ. ૧.૭૦ લાખનો તોતિંગ દંડ વસૂલાયો
ચાંગથાંગ વન્યજીવ અભયારણ્ય પાસે ગેરકાયદેસર ઓફ-રોડ રાઇડિંગ બદલ ગુરુગ્રામની ટૂર કંપનીના પ્રવાસીઓ દંડાયા, જ્યારે પેંગોંગ તળાવ નજીક પ્રતિબંધિત વિસ્તારમાં કાર ચલાવતા મેરઠના ચાલકનું વાહન જપ્ત કરાયું

જમ્મુ: લદ્દાખના અત્યંત સુંદર અને પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે વાહન ચલાવવું હવે પ્રવાસીઓ માટે ભારે આર્થિક નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. લદ્દાખમાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા અને વન્યજીવ સંરક્ષણ કાયદાનો ભંગ કરતા તત્વો સામે વહીવટીતંત્રે કડક ઝુંબેશ હાથ ધરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વાહનો દોડાવવા બદલ તંત્ર દ્વારા ૧૨ બાઇકર્સને ૧.૨૦ લાખ રૂપિયા અને એક એસયુવી કાર ચાલકને ૫૦,૦૦૦ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારી કાયદાકીય સપાટો બોલાવવામાં આવ્યો છે.
તળાવ કિનારે ઓફ-રોડિંગ કરતા ૧૨ બાઇકર્સને માથે પડી સવારી:
પ્રાપ્ત વિગતો અનુસાર, લદ્દાખ વહીવટીતંત્રે મોટરસાયકલ લઈને ફરતા પ્રવાસી જૂથો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં ૧૨ બાઇકર્સને કુલ ૧.૨૦ લાખ રૂપિયા એટલે કે પ્રત્યેક પ્રવાસી દીઠ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ બાઇકર્સ હરિયાણાના ગુરુગ્રામની 'વીએન્ડ્રોન એક્સપિરિયન્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની ટૂર ઓપરેટર કંપની સાથે જોડાયેલા હતા. આ પ્રવાસીઓએ ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યની સરહદમાં આવતા ત્સો મોરીરી તળાવ નજીકના પ્રતિબંધિત અને પર્યાવરણીય રીતે અતિ સંવેદનશીલ ઝોનમાં ગેરકાયદેસર રીતે ઓફ-રોડ રાઇડિંગ કર્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨૯ હેઠળ દંડ વસૂલવામાં આવ્યો હતો અને કલમ ૫૪ મુજબ આ મામલે સમાધાન કરાયું હતું.
પેંગોંગ તળાવ પાસે એસયુવી કાર જપ્ત કરી ૫૦ હજાર વસૂલાયા:
આ પૂર્વે, ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પણ આવી જ એક બેજવાબદાર ઘટના સામે આવી હતી. પેંગોંગ તળાવ નજીક આવેલા માન ગામ પાસે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ચેકિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠના એક પ્રવાસીને નિયમ ભંગ કરતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. આ પ્રવાસી પોતાની મહિન્દ્રા એક્સયુવી ૩એક્સઓ કાર (નંબર: યુપી૧૨સીએ૫૧૧૧) ને તળાવના પ્રતિબંધિત વિસ્તારમાં ચલાવી રહ્યો હતો. આ ગુના બદલ તંત્ર દ્વારા કલમ ૫૦ હેઠળ પ્રવાસીનું વાહન તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવ્યું હતું અને ૫૦,૦૦૦ રૂપિયાનો મસમોટો દંડ વસૂલ કર્યા બાદ જ વાહનને મુક્ત કરવામાં આવ્યું હતું.
કુદરતી સૌંદર્યને નુકસાન કરનારા સાંખી નહીં લેવાય: લેફ્ટનન્ટ ગવર્નર:
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આ મામલે પ્રવાસીઓને પર્યાવરણની જાળવણી કરવાની ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, લદ્દાખની પવિત્ર નદીઓ, અફાટ પર્વતો અને વન્યજીવો એ સમગ્ર દેશની અમૂલ્ય ધરોહર છે. વિસ્તારમાં પ્રવાસનને ચોક્કસપણે વેગ અને પ્રોત્સાહન આપવામાં આવશે, પરંતુ અહીના કુદરતી સૌંદર્ય તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વો સામે ભવિષ્યમાં પણ આવા જ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. લદ્દાખની કુદરતી સુરક્ષા કાજે ૧૦૦ ભૂતપૂર્વ સૈનિકોની બનેલી એક વિશેષ 'લદ્દાખ પર્યાવરણ સંરક્ષણ દળ' ની પણ તૈનાતી કરી દેવામાં આવી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
