<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

યુવાનો સાથેના સંગઠનાત્મક જોડાણ અને 'જેન ઝી'ના અવાજ અંગે મંથન કરવાની સલાહને પક્ષ વિરોધી ગણાવાતા વકરેલો વિવાદ: શશિ થરૂરે રાહુલ ગાંધી કે કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો કર્યાના અહેવાલોને અફવા ગણાવી સણસણતો ખુલાસો કર્યો

​'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ અને જંતર-મંતર ખાતેના વિદ્યાર્થી આંદોલનની સરખામણી મુદ્દે મીડિયાના અર્થઘટન સામે આક્રોશ; કોંગ્રેસ સાંસદે X પર પૂરો વિડિયો શેર કરીને સ્પષ્ટ કર્યું કે 'નવી પેઢી માટે રાજકીય પક્ષોએ નેતૃત્વના દરવાજા ખોલવા પડશે તે જ મારો મુખ્ય આશય હતો'

​મુંબઈ / નવી દિલ્હી:દેશના રાજકારણમાં નવી પેઢીના યુવાનો એટલે કે 'જેન ઝી' (Gen Z) ના પ્રશ્નો, તેમની માનસિકતા અને રાજકીય પક્ષો સાથેના તેમના જોડાણને લઈને મુંબઈ ખાતે યોજાયેલા એક જાહેર મંચ પરથી કરવામાં આવેલી ટિપ્પણી બાદ વકરેલા વિવાદ પર કોંગ્રેસના જ્યેષ્ઠ સાંસદ શશિ થરૂરે આકરો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમણે પોતાની પાર્ટી કે કોંગ્રેસ નેતૃત્વ સામે કોઈ જ આક્રમક વલણ અપનાવ્યું નથી. મીડિયાના એક વર્ગ દ્વારા પોતાના નિવેદનનું ગેરમાર્ગે દોરનારું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનો દાવો કરીને થરૂરે સ્પષ્ટતા કરી છે કે તેમની વાત માત્ર તમામ રાજકીય પક્ષો માટે આત્મમંથન કરવા અને યુવા પેઢીને રાજકારણમાં યોગ્ય સ્થાન આપવા પૂરતી સીમિત હતી.

​મુંબઈમાં યોજાયેલા 'આઈઆઈએમયુએન' (IIMUN) ના ૧૫મા વાર્ષિક મહોત્સવ દરમિયાન ઋષભ શાહ સાથેની ખાસ વાતચીતમાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા 'છાત્રો કી ગૂંજ' અભિયાન હેઠળ પેપર લીક, શિક્ષણ અને રોજગારી જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જંતર-મંતર ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન જેવો વ્યાપક અને ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો, તેવો વ્યાપક જનપ્રભાવ કોંગ્રેસના આ અભિયાન દ્વારા ઊભો થઈ શક્યો નથી.

​પોતાના સંબોધનમાં થરૂરે ગંભીર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, "આપણે એક પક્ષ તરીકે એ વિચારવાની જરૂર છે કે આપણાથી ક્યાં ચૂક થઈ ગઈ? શું આપણે નવી પેઢીનો આક્રોશ સાંભળવામાં કે સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ? શું વિપક્ષી પક્ષો તરીકે આપણે જંતર-મંતર પર એકઠા થયેલા યુવાનોને પોતાના સંગઠનમાં સામેલ કરવાનો સીધો રસ્તો ન બનાવી શક્યા?" તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો પ્રસ્થાપિત રાજકીય પક્ષો આજના યુવાનોને માત્ર સભાઓમાં પાછળ ઊભા રહેનારા 'ફૂટ સોલ્જર' બનાવી રાખશે અને તેમને નીતિ-નિર્ધારણમાં સ્થાન નહીં આપે, તો આવા પક્ષો આવનારા સમયમાં પોતાની સુસંગતતા ગુમાવી બેસશે.

​થરૂરના આ નિવેદન બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ હતી કે તેમણે રાહુલ ગાંધીના યુવા જોડાણ કાર્યક્રમની નિષ્ફળતા ગણાવીને પક્ષના હાઇકમાન્ડ સામે સીધો મોરચો માંડ્યો છે. આ અહેવાલોથી ઉદ્ભવેલા વિવાદ બાદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, "મારી વાતચીતને મારી પોતાની પાર્ટી કે તેના નેતૃત્વ પરના આક્રમણ તરીકે રજૂ કરવી એ મીડિયાના એક વર્ગની અણઘડતા અને દ્વેષભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે."

​પોતાના દવાની પુષ્ટિ માટે થરૂરે કોઈપણ પ્રકારના કટ વગરનો આખો વિડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો અને લોકોને પોતે જ વિડિયો જોઈને સત્ય નક્કી કરવા વિનંતી કરી હતી. થરૂરના કાર્યાલય દ્વારા પણ નિવેદન આપતાં જણાવાયું હતું કે, ડો. શશિ થરૂરનો મુખ્ય આશય એ દર્શાવવાનો હતો કે ભારતનો યુવા વર્ગ માત્ર રાજકારણનો મૌન પ્રેક્ષક બનીને ન રહેવો જોઈએ. મુખ્યધારાના રાજકીય પક્ષોએ પોતાના દ્વાર ખોલીને નવી પેઢીને નેતૃત્વ સોંપવું પડશે.

​આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના 'છાત્રો કી ગૂંજ' અભિયાનનો બચાવ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ દેશભરમાં ભ્રમણ કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોને સંસદથી લઈને રસ્તા સુધી મજબૂતીથી ઉઠાવ્યા છે અને આ ઝુંબેશથી દેશના લાખો યુવાનોમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો છે. છતાં થરૂરે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના વિઝનને ખોટી રીતે ટ્વિસ્ટ કરીને વિવાદ ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.

(12:59 PM IST)