તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
૧૪ વર્ષના લાંબા વિરામ બાદ પાસપોર્ટ ફીમાં ૬૭ ટકાનો મોટો વધારો: કેન્દ્ર સરકારે લોકસભામાં આપ્યો સત્તાવાર જવાબ, નવી ફી ૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ
ઉચ્ચ સેવા વિતરણ ખર્ચ, મોંઘવારી અને ઇ-પાસપોર્ટ સહિત 'પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ ૨.૦' જેવા આધુનિક અપગ્રેડેશનને કારણે ફી વધારવી અનિવાર્ય બની: ૩૬ પાનાના સામાન્ય પાસપોર્ટ માટે હવે ૧,૫૦૦ ને બદલે ૨,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

નવી દિલ્હી — તા.૦૩ ભારત સરકારે દેશમાં પાસપોર્ટ મેળવવા અને સંબંધિત સેવાઓની ફીમાં પૂરા ૧૪ વર્ષ પછી ૬૭ ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. લોકસભામાં પૂછાયેલા એક લેખિત પ્રશ્નનો જવાબ આપતાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સ્પષ્ટ કર્યું હતું કે સેવા વિતરણના વધતા ખર્ચ, કાર્યકારી આવશ્યકતાઓ અને ટેકનોલોજીકલ સુધારાની વ્યાપક સમીક્ષા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુધારેલા પાસપોર્ટ નિયમો હેઠળ નવા દર ૧ જુલાઈ ૨૦૨૬ થી દેશભરમાં અમલી બની ગયા છે.
સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર મુજબ, ૩૬ પાના ધરાવતા સામાન્ય નવા પાસપોર્ટ માટેની અરજી ફી અગાઉના રૂ. ૧,૫૦૦ થી વધીને હવે રૂ. ૨,૫૦૦ થઈ ગઈ છે. મંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે છેલ્લે ૨૦૧૨માં પાસપોર્ટ ફીમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૪ વર્ષ દરમિયાન સેવાઓના સંચાલન, ઇનપુટ કોસ્ટ અને સિક્યુરિટી ફીચર્સમાં થયેલા વધારાને કારણે 'પાસપોર્ટ નિયમો, ૧૯૮૦' માં સુધારો કરીને ફી માળખું બદલવું જરૂરી બન્યું હતું.
વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવાઓને વધુ ઝડપી, સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટે 'પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ (PSP) સંસ્કરણ ૨.૦' અને 'ઇ-પાસપોર્ટ' (E-Passport) સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી અને ચિપ-આધારિત ઇ-પાસપોર્ટના ઉપયોગથી સેવાઓની ગુણવત્તા અને સુરક્ષામાં મોટો સુધારો થયો છે, પરંતુ સાથે સાથે તેના સંચાલન અને વિતરણનો ખર્ચ પણ વધ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ ફીના ઇતિહાસમાં આ પહેલો વધારો નથી. સરકારે દસ્તાવેજી પુરાવા આપતાં જણાવ્યું કે ૧૯૭૧માં ૪ વર્ષે ૬૭%, ૧૯૮૦માં ૯ વર્ષે ૧૦૦%, ૧૯૯૩માં ૧૩ વર્ષે ૫૦૦%, ૨૦૦૨માં ૯ વર્ષે ૨૩૩% અને ૨૦૧૨માં ૧૦ વર્ષના ગાળા બાદ ૫૦% ફી વધારાઈ હતી. પાસપોર્ટ અધિનિયમ ૧૯૬૭ ની કલમ ૫(૧) અને પાસપોર્ટ નિયમો ૧૯૮૦ ના નિયમ ૮ હેઠળ નિયત ફી વસૂલવાની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
