<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th November 2026

એરપોર્ટ બાદ હવે આકાશમાં ઉડાનની તૈયારી: અદાણી ગ્રુપે એરલાઇન ક્ષેત્રમાં પ્રવેશવા સરકારની માંગી પરવાનગી

CFO જુગેશિંદર સિંહે દૈનિક ફ્લાઇટ્સ 30,000 સુધી વધારવાની જરૂરિયાત દર્શાવી: એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વર્ચસ્વ વચ્ચે ઉડ્ડયન ક્ષેત્રે નવી સ્પર્ધાના સંકેત

 

મુંબઈ : દેશમાં મુંબઈ, નવી મુંબઈ, અમદાવાદ, લખનૌ અને ગુવાહાટી સહિત આઠ મુખ્ય એરપોર્ટનું સંચાલન કરતું અદાણી ગ્રુપ હવે એરલાઇન વ્યવસાયમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે જૂથે ભારત સરકાર પાસે સત્તાવાર પરવાનગી માંગી છે. ઇન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટ દરમિયાન અદાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જુગેશિંદર રોબી સિંહે જણાવ્યું હતું કે ભારતમાં 600 મિલિયનથી વધુ લોકો હવાઈ મુસાફરી કરવા સક્ષમ હોવાથી દૈનિક ફ્લાઇટ્સની સંખ્યા વર્તમાન સ્તરથી આશરે 10 ગણી વધારીને 30,000 કરવાની જરૂર છે, તેથી જૂથે ફંડ, અન્ય એરલાઇન કંપની અથવા નવા ઉદ્યોગસાહસિક મારફતે આ ક્ષેત્રમાં રોકાણ કરવાની મંજૂરી માંગી છે.

અદાણી જૂથનું આ તાજેતરનું નિવેદન તેના અગાઉના વલણથી તદ્દન વિપરીત માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ વર્ષના જુલાઈ મહિનામાં જૂથે એરલાઇન વ્યવસાયમાં પ્રવેશવાની કોઈ દરખાસ્ત ન હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત, 3 નવેમ્બરના રોજ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના સીઈઓ અરુણ બંસલે પણ પોતાના ગ્રાહકો સાથે સ્પર્ધા કરવી યોગ્ય વ્યૂહરચના ન હોવાનું જણાવી એરલાઇન ક્ષેત્રમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે CFO ના નિવેદનથી જૂથની આક્રમક રણનીતિ સ્પષ્ટ થઈ છે.

હાલમાં અદાણી ગ્રુપના આઠ એરપોર્ટ દેશના કુલ હવાઈ મુસાફરોના ટ્રાફિકના એક ચતુર્થાંશથી વધુ હિસ્સાનું સંચાલન કરે છે, ત્યારે બીજી તરફ ભારતના સ્થાનિક ઉડ્ડયન બજારમાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા અને ઇન્ડિગોનો લગભગ 90 ટકા હિસ્સો હોવાથી સ્પર્ધા મર્યાદિત બની છે. ગયા વર્ષે ઇન્ડિગોમાં ઓપરેશનલ સમસ્યાઓને કારણે હજારો ફ્લાઇટ્સ રદ થવાની ઘટના બાદ દેશમાં વધુ એરલાઇન કંપનીઓ અને તંદુરસ્ત સ્પર્ધાની માંગ વધુ પ્રબળ બની છે.

અદાણી ગ્રુપ પોતાની સ્વતંત્ર એરલાઇન શરૂ કરશે કે પછી હાલની અથવા કોઈ નવી એરલાઇન કંપની સાથે સહયોગ કરીને બજારમાં ઉતરશે તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. આગામી સમયમાં કેન્દ્ર સરકાર અને ઉડ્ડયન મંત્રાલય અદાણી જૂથની આ રોકાણ દરખાસ્ત પર કેવો નિર્ણય લે છે તથા મંજૂરી મળ્યા બાદ જૂથ કયા મોડલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રમાં ઝંપલાવે છે તેના પર સમગ્ર ઉદ્યોગ જગતની નજર ટકેલી રહેશે.

(12:45 AM IST)