તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અલી ખામેનીના દફનવિધિ બાદ પુત્ર મોજતબાની ગર્જના : અમે અમારા શહીદ પિતાના લોહીના એક-એક ટીપાનો બદલો લઈશું
તેહરાનથી નજફ સુધી ઉમટેલા લાખોના જનમેદની વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલને આપી ધમકી; કહ્યું- ગુનેગારોની હિટલિસ્ટ તૈયાર છે, તેઓ ક્યારેય શાંતિથી મરી શકશે નહીં

તેહરાન: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવની વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર બાદ, તેમના પુત્ર અને દેશના નવા સર્વોચ્ચ નેતા બનેલા આયાતુલ્લાહ સૈયદ મોજતબા ખામેનીએ સત્તાવાર રીતે રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. એક લેખિત અને અત્યંત આક્રમક સંદેશમાં મોજતબાએ પોતાના પિતા અને યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોના મોતના બદલાની ગર્જના કરી છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે આ બદલો કોઈ સામાન્ય રાજકીય સૂત્ર નથી, પરંતુ સમગ્ર ઈરાની રાષ્ટ્રની ન્યાયી માંગ છે જેને કોઈ પણ ભોગે પૂરી કરવામાં આવશે.
અલી ખામેનીના પાર્થિવ દેહને વિદાય આપતી વખતે ઈરાનના તેહરાન, કોમ, મશહદથી લઈને ઈરાકના નજફ અને કરબલા જેવા પવિત્ર શહેરોમાં લાખો લોકોની "દુશ્મનોની કમર તોડી નાખનારી" ઐતિહાસિક ભીડ ઉમટી પડી હતી. આ જનમેદનીનો આભાર માનતા મોજતબા ખામેનીએ ભાવુક અને આકરા શબ્દોમાં કહ્યું, "ભીની આંખો અને ભારે હૃદય સાથે અમે જ્યારે તમને વિદાય આપી રહ્યા છીએ, ત્યારે અમે વચન આપીએ છીએ કે અમે તમારી ક્રાંતિકારી વિચારધારા અને સીધા માર્ગ પરથી ક્યારેય વિચલિત થઈશું નહીં." વધુમાં તેમણે એક સનસનાટીભર્યો ખુલાસો કરતા કહ્યું કે, ઈરાન પર થયેલા યુએસ-ઈઝરાયેલી હુમલાના ગુનેગારોની ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તર સુધીની એક ચોક્કસ યાદી (હિટલિસ્ટ) તૈયાર કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે ઈરાને એક આસિસ્ટન્ટ લિસ્ટ બનાવી છે જેમાં તેમનું નામ ટોચ પર છે.
ઈરાનના આ નવા સત્તાધીશે પશ્ચિમી દેશોના શાસકોના હોશ ઉડાવતા સ્પષ્ટ કર્યું છે કે આ મિશન હવે અટકવાનું નથી. મોજતબાએ કહ્યું, "અમારા નેતાની હત્યા કરનારા અનેક ગુનેગારો હવે ક્યારેય શાંતિપૂર્ણ મૃત્યુનું સ્વપ્ન જોઈ શકશે નહીં, તેઓ ફાટી ગયેલી આંખે જ પોતાની કબરો ભેગા થશે." તેમણે ઉમેર્યું કે આ બદલાની કાર્યવાહી કોઈ વ્યક્તિગત નેતા કે પદ પર નિર્ભર નથી; તેઓ પોતે સત્તા પર રહે કે ન રહે, પરંતુ ઈરાનનું સૈન્ય અને દુનિયાભરના મુક્ત વિચારધારા ધરાવતા લોકો ખૂબ જ ટૂંક સમયમાં આ પવિત્ર મિશનને અંજામ આપીને જ જંપશે. આ ભાષણ બાદ સમગ્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર યુદ્ધના નગારા વાગવા માંડ્યા છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
