News of Monday, 29th June 2026
' બિરયાની વિવાદ' પછી હવે સમય રૈના ફરી નવા વિવાદમાં સપડાયો : જૂનો વીડિયો વાયરલ થતા ભારે હોબાળો
યુવતીના પિતાની ગંભીર બીમારી પર હસતા બોયફ્રેન્ડ અને સ્ટેજ પરથી મહિલાઓ પ્રત્યે દ્વિઅર્થી કમેન્ટ કરનાર સમય રૈના સામે લોકો સોશિયલ મીડિયા પર રોષ

જાણીતા કોમેડિયન સમય રૈના પોતાના લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સેશન 2' સાથે કમબેક કરતાની સાથે જ ભારે વિવાદોમાં સપડાયો છે. આ વખતે વિવાદ કોઈ નવા વીડિયોના કારણે નહીં, પરંતુ પહેલા સેશનના એક જૂના વાયરલ વીડિયોના લીધે થયો છે. આ વીડિયોમાં એક યુવતીના પિતાના હાર્ટ એટેક પર કરવામાં આવેલી આપત્તિજનક જોક સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ છે.
સમય રૈનાના શોની વર્ષ 2024 ની એક જૂની વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર ફરીથી વાયરલ થઈ રહી છે. જેમાં ઓડિયન્સમાં બેઠેલી એક યુવતી અચાનક શોની અધવચ્ચે ઉભી થઈને જવા લાગે છે. સમય રૈના આનું કારણ પૂછે છે, ત્યારે યુવતીનો બોયફ્રેન્ડ હસતા હસતા કહે છે કે, તેની ગર્લફ્રેન્ડના પિતાને માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો છે, તેથી તેને જવું પડી રહ્યું છે. યુવકની આ બેદરકારી પર આશ્ચર્ય વ્યક્ત કર્યા બાદ સમય રૈના સ્ટેજ પરથી મહિલાઓ પ્રત્યે અત્યંત અભદ્ર અને દ્વિઅર્થી ટિપ્પણી કરે છે. આ વાંધાજનક નિવેદન પર ત્યાં હાજર તમામ લોકો જોરજોરથી હસવા લાગે છે, જે હવે સોશિયલ મીડિયા પર વિવાદનું કારણ બન્યું છે.
સમય રૈનાની આ ટીકાપાત્ર કમેન્ટને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નેટીઝન્સના મતે કોઈ યુવતીના પિતાની આવી ગંભીર તબીબી સ્થિતિ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો અત્યંત શરમજનક બાબત છે. ઘણા યુઝર્સે દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, આજકાલ કોમેડીના નામે મહિલાઓ પ્રત્યેની નફરત અને વિકૃત માનસિકતા પીરસવામાં આવી રહી છે. સમય રૈનાના કેટલાક જૂના ચાહકો પણ આ પ્રકારના અસંવેદનશીલ વર્તનનો વિરોધ કરી રહ્યા છે. અને ભૂતકાળમાં આવી કોમેડીનું સમર્થન કરવા બદલ અફસોસ જતાવી રહ્યા છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
