તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સદીઓની ઉપેક્ષા બાદ સ્થાપત્ય કલાનો અદભુત ચમત્કાર બહાર આવ્યો: કર્ણાટકના બેલગાવીમાં ૩૦૦ વર્ષ જૂની વાવમાંથી પ્રગટ થઈ ભવ્ય 'શિવલિંગ' આકારની ડિઝાઇન!
કચરા અને ઝાડીઓ નીચે દટાયેલો વારસો જીવંત થયો; ૮૦ ફૂટ ઊંડી કાળા પથ્થરની વાવ અને પથ્થરની ૫૩ સીડીઓ જોઈને ઇતિહાસકારો પણ આશ્ચર્યચકિત

બેલગાવી, તા.૦૩: ભારતની ધરતી પોતાના ગર્ભમાં અદભુત ઇતિહાસ અને સ્થાપત્ય કલાના એવા બેનમૂન નમૂનાઓ સાચવીને બેઠી છે કે જ્યારે તે બહાર આવે ત્યારે આખી દુનિયા દંગ રહી જાય છે. આવો જ એક સ્થાપત્ય કલાનો ચમત્કાર કર્ણાટકના બેલગાવી (બેલગામ) જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં એક વ્યાપક પુનઃસ્થાપન (Restoration) અને સફાઈ અભિયાન દરમિયાન ૩૦૦ વર્ષ જૂની પ્રાચીન વાવ (Stepwell) ને નવું જીવન મળ્યું છે. દાયકાઓથી કચરા, કાટમાળ અને ગીચ ઝાડીઓ નીચે દટાયેલી આ ઐતિહાસિક વાવ જ્યારે સંપૂર્ણ સાફ થઈ, ત્યારે ઉપરથી જોતાં તેનો આકાર પવિત્ર 'શિવલિંગ' જેવો દેખાયો છે. આ અદભુત લેઆઉટ અને તેની ભવ્ય કારીગરી અત્યારે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ સદીઓ જૂની ઐતિહાસિક વાવ બેલગાવી તાલુકાની મુતાગા ગ્રામ પંચાયત હેઠળ આવતા કંચવીર નગરમાં બેલગાવી-સાંબ્રા સ્ટેટ હાઈવેની બિલકુલ નજીક આવેલી છે. ઇતિહાસકારોના મતે આ સ્મારક અંદાજે ૩૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. આ ભવ્ય વાવ આશરે ૮૦ ફૂટ ઊંડી છે અને તેની ઊંડાઈમાં નીચે ઉતરવા માટે કાળા પથ્થરોને કંડારીને બનાવેલી ૫૩ સુંદર અને મજબૂત સીડીઓ આવેલી છે. સફાઈ બાદ વાવની વિશાળ સંરક્ષણ દીવાલો, સુશોભિત કમાનો અને પથ્થરો પરની જટિલ કોતરણીઓ ફરીથી પોતાની અસલી ભવ્યતા સાથે ચમકી ઉઠી છે, જે પરંપરાગત કન્નડ કારીગરીની શ્રેષ્ઠતા દર્શાવે છે.
આદિલ શાહી કાળની પરંપરાગત બાંધકામ શૈલી
સ્થાનિક રહેવાસીઓ અને ઇતિહાસકારોનું માનવું છે કે, આ માળખું ૧૫મીથી ૧૭મી સદી વચ્ચેના આદિલ શાહી શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હોઈ શકે છે, જો કે કોઈ સત્તાવાર સરકારી દસ્તાવેજોમાં તેના ચોક્કસ શાસકનો ઉલ્લેખ મળતો નથી. આ વાવના બાંધકામમાં કાળા પથ્થર (Black Stone) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરોને જોડવા માટે સદીઓ જૂની પરંપરાગત ટેકનિક એટલે કે ચૂનો, ગોળ અને રેતીના ખાસ મિશ્રણનો ઉપયોગ કરાયો હતો. આ દેશી મિશ્રણની મજબૂતાઈના કારણે જ સેંકડો વર્ષો વીતી ગયા હોવા છતાં અને વર્ષો સુધી કચરામાં દટાયેલી હોવા છતાં આ સ્મારકની દિવાલો અને સીડીઓ આજે પણ અડીખમ અને સુરક્ષિત છે.
જનભાગીદારીથી હાસિલ થઈ મોટી સિદ્ધિ
આ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનો શ્રેય સ્થાનિક જનતા અને એક સામાજિક સંસ્થાને જાય છે. મુતાગા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ઉમેશ પુરી અને સ્થાનિક ગ્રામજનોએ આ ઉપેક્ષિત માળખાને બચાવવા માટે બેલગાવીની 'પ્યાસ ફાઉન્ડેશન' નો સંપર્ક કર્યો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. માધવ પ્રભુ અને તેમની ટીમે વાવની સ્થિતિ જોઈને તાત્કાલિક એક એક્શન પ્લાન તૈયાર કર્યો. ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના ઉત્સાહી સ્વયંસેવકો અને સ્થાનિક સમુદાયના લોકોએ સાથે મળીને સતત એક મહિના સુધી મહા-સફાઈ ઝુંબેશ ચલાવી હતી. ટનબંધ કચરો અને ઝાડીઓ હટાવ્યા બાદ જ્યારે આ વાવ તેના અસલી સ્વરૂપમાં બહાર આવી, ત્યારે તેની અંદર છુપાયેલી ભવ્ય શિવલિંગની આકૃતિ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
