તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 2nd June 2026
કોરોના બાદ હવે ઇબોલાની રસી બનાવશે ભારતીય કંપની
સંક્રમણ દુનિયાભરમાં ફેલાય તે પહેલાં રસી શોધવા CEPI દ્વારા રૂ.૫.૭ બિલિયનનું ભંડોળ મંજૂર કરાયું

નવી દિલ્હી, તા.૨: કોરોનાકાળની ભયાનકતા હજી લોકો ભૂલ્યા નથી ત્યાં જ વિશ્વ પર વધુ એક જીવલેણ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. પૂર્વ આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા જેવા દેશોમાં ઇબોલા વાયરસના અત્યંત ઘાતક ગણાતા બુંદીબુગ્યો વેરિઅન્ટે ભારે તબાહી મચાવી છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે અને ૯૦૦થી વધુ લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. પરિસ્થિતિની ગંભીરતા અને વાયરસના ઝડપી ફેલાવાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક આરોગ્ય કટોકટી (ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી) જાહેર કરવામાં આવી છે, જેના પગલે ભારત સરકારે પણ કોરોના સમયના કડક પ્રોટોકોલ લાગુ કરી દીધા છે.
આ વૈશ્વિક મહામારીને વિશ્વભરમાં ફેલાતી રોકવા માટે હવે રસીકરણ જ એકમાત્ર આખરી હથિયાર બચ્યું છે. આ હેતુસર, વૈશ્વિક સ્તરે રોગચાળા સામે લડતી સંસ્થા 'CEPI' (કોએલિશન ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન્સ) એ ઈબોલાની અસરકારક રસી વિકસાવવા માટે ઼૬૦ મિલિયન (આશરે રૂ.૫.૭ બિલિયન) ના મસમોટા ભંડોળની જાહેરાત કરી છે. CEPI ના વડા રિચાર્ડ હેચેટે સત્તાવાર નિર્દેશ આપતાં જણાવ્યું છે કે, વાયરસ કાબૂ બહાર જાય તે પહેલાં કોઈપણ સંજોગોમાં તેની રસી તૈયાર થઈ જવી અનિવાર્ય છે. આ ભંડોળ વિશ્વના ત્રણ અગ્રણી સંશોધક જૂથોને ફાળવવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે આ પ્રોજેક્ટ પર દિવસ-રાત કામ કરશે.
આ આખા મિશનમાં સૌથી ગર્વની અને મહત્વની વાત એ છે કે રસી વિકસાવનારા આ ત્રણ મુખ્ય જૂથોમાં એક પ્રખ્યાત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનો પણ સમાવેશ થાય છે. કોવિડ-૧૯ દરમિયાન ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતા લોખંડી સાબિત થઈ ચૂકી છે, અને હવે ફરી એકવાર વૈશ્વિક સંકટ સમયે ભારત સિંહફાળો આપવા તૈયાર છે. ભારતીય વૈજ્ઞાનિકો અને ફાર્મા કંપની આ આફ્રિકન ઇબોલા વાયરસને નાથવા માટે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી રસીનું ઉત્પાદન ઝડપથી શરૂ કરશે, જેથી આ સંભવિત રોગચાળાને દુનિયાના અન્ય દેશો ગળી જાય તે પહેલાં જ ડામી શકાય.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
