તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
દિલ્હી બાદ હવે નોઈડામાં પણ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર નો-એન્ટ્રી, GRAP-3 નિયમો હેઠળ કડક પ્રતિબંધો
ઝેરીલી હવાથી NCR માં હાહાકાર વચ્ચે BS-6 સિવાયના વાહનો પર રોક, ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ બદલ ભારે દંડની કાર્યવાહી

નવી દિલ્હી : શિયાળાના પ્રારંભ સાથે જ દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાયુ પ્રદૂષણનું સ્તર ભયાનક સપાટીએ પહોંચી ગયું છે. વધતા જતા ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3) ના નિયમો વધુ કડક રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. દિલ્હીના પગલે ચાલતા હવે નોઈડા પ્રશાસને પણ BS6 ઉત્સર્જન ધોરણોનું પાલન ન કરતા વાહનોના પ્રવેશ અને સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
GRAP-III હેઠળ લાદવામાં આવેલા કડક પ્રતિબંધો અનુસાર વર્ષ ૨૦૨૦ પહેલા ઉત્પાદિત થયેલા BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ વાહનો સહિત BS-6 શિવાયના અન્ય તમામ વાહનોને નોઈડાની સીમામાં ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાહન ઉત્સર્જનના કારણે સતત કથળતી હવાની ગુણવત્તાને સુધારવા અને ઝેરી સ્મોગ પર કાબૂ મેળવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવા નિયમોનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે નોઈડા ટ્રાફિક પોલીસે વ્યાપક સ્તરે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં પોસ્ટરો અને પેમ્ફલેટ દ્વારા વાહનચાલકોને માહિતી આપવામાં આવી રહી છે. રાજ્ય અને જિલ્લા સરહદોના એન્ટ્રી પોઈન્ટ્સ તેમજ શહેરના આંતરિક વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ તૈનાત કરીને ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.
નોઈડા અને NCR માં પ્રદૂષણની આ વિકટ પરિસ્થિતિને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને પર્યાવરણ વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ભારે રોકડ દંડ અને વાહન જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે આગામી દિવસોમાં હવાની ગુણવત્તા સુધરે નહીં ત્યાં સુધી આ કડક મોનિટરિંગ અને ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
