તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે તેલંગાણા ભાજપનું 'નેક્સ્ટ ટાર્ગેટ' : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પૂર્વે સાંસદ ડીકે અરુણાનો હુંકાર
રાજ્યમાં આગામી ચૂંટણીમાં ભગવો લહેરાવવાનો દાવો : મહિલા અનામત બિલનો વિરોધ કરનારાઓને જનતાએ નકાર્યા : કેન્દ્રના 60 ટકા ફંડ છતાં રાજ્ય સરકારના વિલંબને કારણે વિકાસ કાર્યો અટક્યા હોવાનો ગંભીર આક્ષેપ

હૈદરાબાદ: પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તેલંગાણા પર પોતાની નજર કેન્દ્રિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તેલંગાણા મુલાકાતના ગણતરીના દિવસો પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડીકે અરુણાએ જાહેરાત કરી છે કે હવે ભાજપનું આગામી લક્ષ્ય તેલંગાણા છે અને પક્ષ અહીં આક્રમક રીતે તૈયારીઓ કરી રહ્યો છે.
ડીકે અરુણાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેલંગાણાની જનતા હવે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર ઈચ્છી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણામાં ભગવો લહેરાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી જેવા રાજ્યોમાં ભાજપ મજબૂત બન્યું છે અને હવે તેલંગાણાના લોકો પણ કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની 'ડબલ એન્જિન' સરકાર ઈચ્છી રહ્યા છે.
મહિલાઓ અને ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર:
સાંસદ અરુણાએ મહિલા અનામત બિલનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે જે પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો તેમને મહિલાઓએ ચૂંટણીમાં પાઠ ભણાવ્યો છે. તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે સત્તામાં આવ્યાને લાંબો સમય વીતવા છતાં કોંગ્રેસ સરકારે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન પૂરું કર્યું નથી. આ ઉપરાંત અનાજની ખરીદીમાં ગેરવહીવટને કારણે ખેડૂતો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વિકાસ કાર્યોમાં રાજ્ય સરકારનો અસહકાર:
વિકાસના મુદ્દે વાત કરતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસ માટે કટિબદ્ધ છે. અનેક માળખાગત સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ માટે કેન્દ્ર સરકાર 60 ટકા હિસ્સો આપી રહી છે, પરંતુ રાજ્ય સરકાર પોતાનો હિસ્સો સમયસર રિલીઝ કરતી ન હોવાથી રાજ્યમાં વિકાસના કામોમાં વિલંબ થઈ રહ્યો છે.
વડાપ્રધાનની મુલાકાતથી બદલાશે સમીકરણો:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 મેના રોજ તેલંગાણાની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ડીકે અરુણાએ જણાવ્યું કે વડાપ્રધાનની આ મુલાકાત અને જાહેર સભા ઐતિહાસિક રીતે સફળ રહેશે અને તેલંગાણામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવશે. પાંચ રાજ્યોની ચૂંટણી બાદ વડાપ્રધાનની સૌપ્રથમ મુલાકાત તેલંગાણાની હોવી એ જ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ માટે આ રાજ્ય હવે ટોચની પ્રાથમિકતા પર છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
